મોરબી તાલુકા પોલીસે રૂ.૫.૫૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો: દારૂ મંગાવનાર ત્રણ શખ્સની શોધખોળ.
મોરબી તાલુકાના લાલપર ગામ નજીક વાંકાનેર-મોરબી નેશનલ હાઈવે પરથી મોરબી તાલુકા પોલીસે ક્રેટા કારમાંથી ૭૦૦ લીટર દેશી દારૂ સાથે એક શખ્સની ધરપકડ કરી છે. પોલીસે કાર અને બે મોબાઈલ સહિત કુલ રૂ.૫.૫૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
મોરબી જીલ્લામાં પ્રોહિબિશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલીસની સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમી મળી હતી કે, હુન્ડાઈ ક્રેટા કાર નં. જીજે-૧૦-સીજી-૪૬૩૦માં ગેરકાયદેસર રીતે દેશી દારૂનો જથ્થો ભરી વાંકાનેર તરફથી લાલપર ગામ થઈ મોરબી તરફ આવી રહ્યો છે.
બાતમીના આધારે પોલીસે દરોડો પાડી ક્રેટા કારમાંથી ૭૦૦ લીટર દેશી દારૂ કિ.રૂ.૧,૪૦,૦૦૦/- સાથે આરોપી સલીમભાઈ ઉર્ફે સલો બાબુભાઈ વિકીયાણી રહે. સરાયા તા. ટંકારા વાળાને ઝડપી લેવામાં આવ્યો હતો. આ સાથે પોલીસે રૂ.૪ લાખની ક્રેટા કાર તથા બે મોબાઈલ ફોન કિ.રૂ.૧૫ હજાર મળી કુલ રૂ.૫,૫૫,૦૦૦/-નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પકડાયેલ આરોપીની સઘન પૂછતાછમાં દારૂ મંગાવનાર ઇરફાનભાઈ રહે. મોરબી, સદામભાઈ જામ રહે. મોરબી અને સલીમ ઉર્ફે રાહુલભાઈ પઠાણ રહે. મોરબી વાળાના નામ ખુલતા તેઓને ફરાર દર્શાવી, પોલીસે તમામ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.






