ટંકારાના ખીજડીયા રોડ પર પત્ની રિસામણે હોવાનો ખાર રાખી બનેવીએ કુટુંબી સાળાની કાર રોકી છરી બતાવી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ બાદમાં બનેવીના ભાઈએ પણ મામાના મોબાઈલ પરથી ફોન કરી ધમકી આપ્યા અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
મળતી માહિતી મુજબ, આમરણ ગામના કાસમભાઈ નઝમલભાઈ તૈલી ઉવ.૪૫ ગત તા.૬ સપ્ટેમ્બરે પુત્ર સાથે ટંકારા કાસમીયા પીરની દરગાહે માનતા પુરી કરી પોતાની કારમાં આમરણ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ખીજડીયા રોડ પર તેમના કાકાની દીકરીના પતિ જાકીર આમદભાઈ માડકીયાએ મોટરસાયકલથી કારને આંતરી છરી બતાવી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં જાકીરના ભાઈ હાજી આમદભાઈ માડકીયાએ કાસમભાઈના મામાના ફોન પરથી ગાળો આપી ટંકારા તરફ દેખાશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ ટંકારા પોલીસે આરોપી જાકીર અને હાજી આમદભાઈ માડકીયા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






