Tuesday, September 22, 2026
HomeGujaratમોરબીમાં ખાણી-પીણીની ૯૦ પેઢીઓમાં ફૂડ શાખાની તપાસ, અખાદ્ય ખોરાકનો નાશ કરાયો

મોરબીમાં ખાણી-પીણીની ૯૦ પેઢીઓમાં ફૂડ શાખાની તપાસ, અખાદ્ય ખોરાકનો નાશ કરાયો

લાઇસન્સ વગરની ૧૨ પેઢીઓને નોટિસ, વાસી અને અખાદ્ય ૧૫થી ૨૦ કિલો ખાદ્યસામગ્રીનો નાશ કરાયો.

- Advertisement -
- Advertisement -

મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા તા.૩૧ ઓગસ્ટથી ૧૮ સપ્ટેમ્બર દરમિયાન શહેરની ખાણી-પીણીની દુકાનો, હોટલો, મીઠાઈ અને ફરસાણની આશરે ૯૦ પેઢીઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન બેદરકારી અને નિયમોના ભંગ બદલ વેપારીઓને નોટિસ આપવામાં આવી હતી. વિવિધ સ્થળેથી વાસી, અખાદ્ય તથા એક્સપાયર થયેલી આશરે ૧૫થી ૨૦ કિલો ખાદ્યસામગ્રીનો નાશ કરાયો હતો.

મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા તા.૩૧/૮થી તા.૧૮/૯ દરમિયાન શનાળા રોડ, રવાપર રોડ, નાની વાવડી, મહારાણા પ્રતાપ સર્કલ, નવા બસ સ્ટેન્ડ, એસ.પી. રોડ, મોરબી-બાયપાસ રોડ, મહેન્દ્રનગર ચોકડી, મહેન્દ્રનગર, લાલબાગ, ધૂનળા રોડ, જીઆઇડીસી રોડ અને નગર દરવાજા સહિતના વિસ્તારોમાં ખાણી-પીણીની આશરે ૯૦ પેઢીઓમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં નિયમોનું પાલન ન કરનાર વેપારીઓ સામે નોટિસ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ૧૨ પેઢીઓ પાસે જરૂરી લાઇસન્સ ન હોવાથી નોટિસ આપવામાં આવી હતી. લાલબાગ પાસે આવેલી દિલ્લી સીતારામ હોટલમાંથી કીડીઓ લાગેલા ગુલાબજામુન મળી આવતા તેનો નાશ કરાવી નોટિસ આપવામાં આવી હતી. જ્યારે મોરબી-રાજકોટ હાઇવે પર આવેલી માધવ હોટલમાંથી વાસી ૨ કિલો ભાત, ૪ કિલો મંચુરિયન, ૨ કિલો ફ્રેન્ચ ફ્રાઇસ, ફ્રેન્કી સહિતની સામગ્રીનો નાશ કરાયો હતો.

શનાળા-ધૂનડા રોડ પર આવેલી રાધાકૃષ્ણ ડેરી ફાર્મમાંથી વાસી છાશની ૬ થેલી અને દૂધની ૧૦ થેલીનો નાશ કરવામાં આવ્યો હતો. નાની વાવડીની મોમાઇ ડેરી એન્ડ સ્વીટ્સમાંથી ૨ કિલો વાસી કચોરીનો નાશ કરી નોટિસ અપાઇ હતી. મહેન્દ્રનગરની ફાસ્ટફૂડની દુકાનોને રોજ તાજા શાકભાજીનો ઉપયોગ કરવા અને વાસી શાકભાજી બીજા દિવસે ઉપયોગમાં ન લેવા અંગે નોટિસ આપવામાં આવી હતી. આ ઉપરાંત નવા બસ સ્ટેન્ડ પાસે જલારામ ભેળવાળાના ત્યાંથી વાસી બ્રેડના ૩ પેકેટનો નાશ કરાયો હતો. જ્યારે બર્ગર મોલમાંથી તારીખ પૂર્ણ થયેલું ઓરેગાનોનું પેકેટ અને નટેલા ચોકલેટનો નાશ કરી નોટિસ આપવામાં આવી હતી. જીઆઇડીસી રોડની ત્રણ મીઠાઈની દુકાનોમાં અસ્વચ્છ પરિસ્થિતિ જણાતા નોટિસ આપવામાં આવી હતી અને ૧ કિલો વાસી ચટણીનો નાશ કરાયો હતો. મહારાણા પ્રતાપ સર્કલ પાસે મહેન્દ્રભાઈ પેંડાવાળાની દુકાનમાંથી મીઠાઈમાં વાળ મળી આવતા ૫૦૦ ગ્રામ મીઠાઈનો નાશ કરી નોટિસ આપવામાં આવી હતી. આમ, સમગ્ર તપાસ કામગીરી દરમિયાન આશરે ૧૫થી ૨૦ કિલો અખાદ્ય ખોરાકનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. ફૂડ શાખા દ્વારા લારી-દુકાન સંચાલકોને ખાદ્યસામગ્રીમાં ન્યૂઝ પેપરનો ઉપયોગ ન કરવા, એક જ તેલનો વારંવાર ઉપયોગ ન કરવા તેમજ દુકાનમાં સ્વચ્છતા જાળવવા સહિતની બાબતોનું પાલન કરવા સૂચના આપવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!