મોરબી:સરહદી રેન્જ ભુજ દ્વારા યોજાયેલ સ્પેશયલ ડ્રાઇવ દરમિયાન મોરબી એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કવોડે પ્રોહિબિશનના એક ગુન્હામાં છેલ્લા એક વર્ષથી ફરાર આરોપીને ઝડપી લેવામાં સફળતા મેળવી છે.
પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ, ભુજ દ્વારા રેન્જના જિલ્લાઓમાં નાસતા ફરતા અને ચાલુ તપાસના બાકી આરોપીઓને પકડવા માટે તા.૦૧/૧૦/૨૦૨૬ થી તા.૧૫/૧૦/૨૦૨૬ સુધી સ્પેશયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડ્રાઇવ અંતર્ગત મોરબી પોલીસ અધીક્ષકની સૂચનાથી એલ.સી.બી. ઇન્સપેક્ટર એસ.પી. જાડેજાના માર્ગદર્શન હેઠળ ટીમો બનાવી ટેકનીકલ માધ્યમો, હ્યુમન સોર્સીસ અને ખાનગી બાતમીદારો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન મળેલી ચોક્કસ ખાનગી બાતમીના આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપી દશરથભાઇ અનકભાઇ ખાચર (રહે. નળખંભા, તા. થાન, જી. સુરેન્દ્રનગર)ને મોરબીના નટરાજ રેલ્વે ફાટક પાસેથી અટકાયત કરવામાં આવી છે. બાદમાં તેને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ સફળ કામગીરી એલ.સી.બી. પોલીસ ઇન્સપેક્ટર એસ.પી. જાડેજા, પી.એસ.આઇ. બી.ડી. ભટ્ટ, પેરોલ ફર્લો સ્કવોડના પી.એસ.આઇ. વી.જી. માલાણી તેમજ એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કવોડ મોરબીના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.






