₹500ના બિલને ₹1,500 અને ₹700ના બિલને ₹10,700 કરાયાનો આક્ષેપ;ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ તપાસ શરૂ કર્યાનું જણાવ્યું
મોરબી મહાનગરપાલિકા ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. મનપાનાં વાહનોના પંચર રિપેરિંગ અને ગ્લાસ ખરીદીના બિલમાં કથિત ચેડાં કરીને સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવી હોવાના આક્ષેપો વચ્ચે હવે આ મામલે વધુ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. સદામ ટાયર વર્ક્સ નામની દુકાનના બિલમાં માત્ર આંકડાઓની વધઘટ જ નહીં, પરંતુ દુકાનની આખી નકલી બિલ બુક છપાવીને તેનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની દુકાનદારે આશંકા વ્યક્ત કરી છે.
₹500ના બિલને ₹1,500 અને ₹700ના બિલને ₹10,700 કરાયાનો આક્ષેપ
પ્રાથમિક વિગતો અનુસાર, મનપાના વાહનના પંચર રિપેરિંગ માટેના બિલમાં ₹500ની જગ્યાએ ₹1,500ની રકમ દર્શાવવામાં આવી હોવાનો આક્ષેપ છે. જ્યારે 1,000 નંગ ગ્લાસના બિલમાં ₹700ની જગ્યાએ ₹10,700ની રકમ દર્શાવવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. દુકાનદારો દ્વારા આપવામાં આવેલા બિલમાં આંકડાઓમાં ચેડાં કરીને વધુ રકમના બિલ રજૂ કરવામાં આવ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.આ ઉપરાંત, રાજકોટની બંધ થઈ ગયેલી પેઢીનાં બિલ રજૂ કરીને પણ કથિત ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપો થતાં મનપાની બિલ પાસ કરવાની પ્રક્રિયા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
સદામ ટાયર વર્ક્સની નકલી બિલ બુક છપાવાઈ હોવાની દુકાનદારને આશંકા
આ મામલે હવે સદામ ટાયર વર્ક્સના દુકાનદારે બે બિલ રજૂ કર્યાં હોવાનું જાણવા મળ્યું છે. દુકાનદારના જણાવ્યા મુજબ, બંને બિલના નંબર સરખા છે, પરંતુ તેમની તારીખમાં અને રકમમાં તેમજ હેન્ડ રાઇટિંગ માં તફાવત છે. આ બાબતને પગલે દુકાનના નામે નકલી બિલ તૈયાર કરવામાં આવ્યાં હોવાની આશંકા વધુ ઘેરી બની છે.
દુકાનદારે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ‘આ અક્ષર મારા નથી અને હું આવી સહી કરતો નથી. આ બિલ મેં બનાવ્યાં નથી.”દુકાનદારે આ બિલો અંગે કાર્યવાહી કરવાની તજવીજ પણ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.
વિમલ બાવળિયા મારફતે પેમેન્ટ થતું હોવાનો દાવો
દુકાનદારના જણાવ્યા મુજબ, વિમલ બાવળિયા નામની વ્યક્તિ દ્વારા તેમને કામનું પેમેન્ટ કરવામાં આવતું હતું. હવે દુકાનના નામે નકલી બિલ તૈયાર કરાયાં હોવાની આશંકા વચ્ચે આ સમગ્ર વ્યવહારમાં કોની ભૂમિકા હતી અને બિલો કોણે તૈયાર કર્યાં હતાં તે તપાસનો વિષય બન્યો છે.
મનપામાં અન્ય પેઢીઓનાં નામે પણ આ જ રીતે નકલી બિલો તૈયાર કરાયાં છે કે કેમ તે અંગે પણ સવાલો ઊભા થયા છે. જોકે, અન્ય પેઢીઓનાં બિલોમાં આવી ગેરરીતિ થઈ હોવાની બાબતની તપાસ થવી જરૂરી છે.
બિલ પાસ કરનાર અધિકારીઓની ભૂમિકા સામે પણ સવાલો
આ સમગ્ર મામલે સૌથી મોટો સવાલ એ છે કે જો બિલોમાં ચેડાં થયાં હોય અથવા નકલી બિલો રજૂ કરવામાં આવ્યાં હોય, તો તે બિલો પાસ કેવી રીતે થયાં? શું આ સમગ્ર ગેરરીતિ માત્ર નીચલા સ્તરના કર્મચારીઓ દ્વારા જ શક્ય બની કે પછી અન્ય કોઈની પણ સંડોવણી છે? આ તમામ બાબતોની નિષ્પક્ષ તપાસ થાય તો જ હકીકત બહાર આવી શકે તેમ છે.
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં ઘાસચારો વેચતી મહિલા પાસેથી મનપાના કર્મચારીએ ₹3,000 લીધા હોવાનો ખુલાસો મંત્રી કાંતિ અમૃતિયાએ કર્યો હતો. હવે બોગસ બિલના આક્ષેપો સામે આવતાં મનપાની આંતરિક વ્યવસ્થા અને નાણાકીય નિયંત્રણો સામે ફરી સવાલો ઊભા થયા છે.
ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ તપાસ શરૂ કર્યાની માહિતી આપી
આ મામલે મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. તેમના જણાવ્યા મુજબ, શાખા અધ્યક્ષને ₹50,000 સુધીનો ખર્ચ કરવાની સત્તા છે અને આ સત્તા હેઠળ થયેલા ખર્ચમાં ગેરરીતિ થઈ છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.હવે તપાસમાં બિલોની ખરાઈ, દુકાનદારની સહી, બિલ નંબર, તારીખો, પેમેન્ટની વિગતો અને સંબંધિત કર્મચારીઓની ભૂમિકાની તપાસ થાય તે જરૂરી છે.મોરબી મનપાના આ કથિત બોગસ બિલ કૌભાંડમાં ખરેખર કોણ જવાબદાર છે, નકલી બિલો કોણે તૈયાર કર્યાં અને સરકારી નાણાંની ચુકવણી કઈ રીતે થઈ, તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે.






