આ અઠવાડિયામાં વધુ 35 પશુઓને પકડી ગૌશાળા અને પાંજરાપોળમાં મોકલાયાં;2,920 પશુઓનું RFID અને ટેગિંગ કરાયું
મોરબી,તા.14 ઓક્ટોબર, 2026: મોરબી શહેરમાં જાહેર માર્ગો પર રખડતાં પશુઓને કારણે સર્જાતી ટ્રાફિકની સમસ્યા અને નાગરિકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવાના હેતુથી મોરબી મહાનગરપાલિકાની ANCD શાખા દ્વારા પશુઓ પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. મહાનગરપાલિકા બન્યા બાદ અત્યાર સુધીમાં જાહેર માર્ગો પર અડચણરૂપ બનતાં કુલ 3,885 રખડતાં પશુઓને પકડવામાં આવ્યાં હોવાનું મહાનગરપાલિકાની યાદીમાં જણાવાયું છે.
મહાનગરપાલિકાની ANCD શાખા દ્વારા ચાલુ અઠવાડિયા દરમિયાન વધુ 35 પશુઓને પકડવામાં આવ્યાં હતાં. પકડવામાં આવેલાં પશુઓને મોરબી જિલ્લાની આસપાસ આવેલી વિવિધ ગૌશાળા, નંદીઘર અને પાંજરાપોળમાં મોકલવામાં આવ્યાં છે. આ ઉપરાંત, મોરબી મહાનગરપાલિકા હસ્તકના નંદીઘરમાંથી પણ 600થી વધુ પશુઓને જુદી-જુદી ગૌશાળા અને પાંજરાપોળમાં મોકલવામાં આવ્યાં છે.
પશુ માલિકો માટે લાઇસન્સ અને રજીસ્ટ્રેશનની કામગીરી
મહાનગરપાલિકાની ANCD શાખા દ્વારા પશુ માલિકો અને ઘાસના વેચાણ સાથે સંકળાયેલા લોકો માટે પણ લાઇસન્સ તથા પરમિટની કામગીરી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 306 પશુ માલિકોને લાઇસન્સ આપવામાં આવ્યાં છે, જ્યારે 45 પશુ માલિકોનાં લાઇસન્સ રિન્યૂ કરવામાં આવ્યાં છે. ઘાસ વેચાણ માટે 34 લોકોને પરમિટ આપવામાં આવી છે અને 4 પરમિટ રિન્યૂ કરવામાં આવી છે.
પાલિકાએ પેટ ડોગના રજીસ્ટ્રેશન પર પણ ભાર મૂક્યો છે. અત્યાર સુધીમાં 49 નાગરિકોના પેટ ડોગનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે, જ્યારે 10 ડોગ લાઇસન્સ પરમિટ રિન્યૂ કરવામાં આવ્યાં છે
2,920 પશુઓનું RFID અને ટેગિંગ
રખડતાં પશુઓની ઓળખ અને તેમની નોંધણી સુનિશ્ચિત કરવા માટે મહાનગરપાલિકાની ANCD શાખા દ્વારા અત્યાર સુધીમાં કુલ 2,920 પશુઓનું RFID તથા ટેગિંગ કરવામાં આવ્યું છે. આગામી સમયમાં પણ આ કામગીરી ચાલુ રાખવામાં આવશે.
મહાનગરપાલિકાની ANCD શાખા દ્વારા પશુ માલિકોને પોતાનાં પશુઓનું રજીસ્ટ્રેશન કરાવવા તેમજ પેટ ડોગના માલિકોને પણ પોતાના પેટ ડોગનું રજીસ્ટ્રેશન કરાવવા અપીલ કરવામાં આવી છે. સાથે જ, જાહેર માર્ગો પર રખડતાં પશુઓને પકડવાની કામગીરી આગામી સમયમાં પણ યથાવત્ રાખવામાં આવશે તેમ પ્રેસનોટમાં જણાવાયું છે.






