ગેસ પ્લાન્ટ પાસે સફાઈ કરતા અમરતબેનને ડમ્પરે અડફેટે લેતા, ગંભીર ઈજાઓથી મોત, ચાલક ડમ્પર મૂકીને ફરાર.
મોરબી નજીક નીચી માંડલની સીમમાં આવેલા સિમેરો વિટ્રીફાઈડ કારખાનામાં સફાઈ કામ કરી રહેલ અમરતબેનને ડમ્પરે અડફેટે લેતાં તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ડમ્પર ચાલક વાહન સ્થળ પર મૂકીને ફરાર થઈ જતાં પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, નીચી માંડલની સીમમાં આવેલા સિમેરો વિટ્રીફાઈડ કારખાનામાં ગેસ પ્લાન્ટ પાસે સફાઈ કામ કરી રહેલાં અમરતબેન નરસીભાઈ સોલંકીને ડમ્પર ટ્રક રજી.નં. જીજે-૧૩-એએક્સ-૪૫૮૮ ના ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવી હડફેટે લીધાં હતાં. આ અકસ્માતમાં અમરતબેનને કમર અને કમરથી નીચેના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમને મોરબીની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયાં હતાં, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યાં હતાં. આ અંગે મૃતકના પુત્ર દેવરાજભાઈ નરશીભાઈ સોલંકીએ મોરબજ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદ મુજબ, અકસ્માત બાદ ડમ્પર ચાલક વાહન સ્થળ પર મૂકીને ફરાર થઈ ગયો હતો. હાલ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ તથા મોટર વ્હીકલ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી ફરાર ચાલકને શોધવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






