ભાડું માંગવા બાબતે કરિયાણાના વેપારી અને તેના ભાઈ સામે હુમલો અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગે ફરિયાદ નોંધાઈ.
મોરબીના હરિપર(કેરાળા) ગામે મકાન ભાડાના વિવાદમાં બંને પક્ષે સામસામે ફરિયાદો નોંધાવી છે. હાલ ભાડાની ઉઘરાણી મામલે બબાલ થતાં વૃદ્ધા અને તેમના પુત્રને માર મારવા તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યા સાથે કરિયાણાની દુકાનના વેઓરી અને તેના ભાઈ સામે વળતી ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, હરિપર(કેરાળા) ગામે રહેતાં રેખાબેન સુરેશભાઈ પાંચીયા ઉવ.૬૦એ આરોપી અમિત પટેલ અને દીપેશ પટેલ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સમક્ષ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમના પુત્ર લક્ષ્મણના પત્ની કિરણબેન ઉપરોક્ત કરિયાણાની દુકાને ગયા હોય ત્યારે મકાનના ભાડા બાબતે વેપારીએ બોલાચાલી કરી કિરણબેનને અપશબ્દો બોલ્યા હતા, જેથી ફરિયાદી રેખાબેન અને તેમનો પુત્ર લક્ષ્મણ, મેહુલ અને કિરણબેન વેપારી આરોપી અમિતભાઈને સમજાવવા જતા, આ દરમિયાન ભાડાની બાબતે બોલાચાલી થતા અમિતભાઈ એકદમ ઉશ્કેરાઈ જઈ ગાળો બોલવા લાગ્યા હતા અને લાકડાના ધોકાથી લક્ષ્મણને હાથમાં માર માર્યો હતો. જ્યારે રેખાબેન વચ્ચે પડતાં તેમને ધક્કો મારવામાં આવતાં તેઓ નીચે પડી ગયાં હતાં અને માથાના ભાગે ઈજા થઈ હતી.
આ દરમિયાન આરોપી અમિતભાઈના ભાઈ દીપેશે પણ ફરિયાદી રેખાબેન અને તેમના પુત્રોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હુમલામાં ઈજાગ્રસ્ત રેખાબેનને પ્રથમ સારવાર માટે જેતપર સીએચસી અને ત્યારબાદ મોરબી તથા રાજકોટની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયાં હતાં. હાલ મોરબી તાલુકા પોલીસે બંને આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા અને જીપી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






