પ્રોપેન ગેસના ભાવમાં ભડકો: ટને રૂ.૭,૩૦૦નો વધારો
મોરબીના સિરામિક ઉદ્યોગને વધુ એક ફટકો, પ્રતિ ક્યુબિક મીટરે ઉત્પાદન ખર્ચમાં રૂ. ૬નો વધારો થશે.
મોરબીના સિરામિક ઉદ્યોગ પર મોંઘા ગેસનો વધુ એક માર પડ્યો છે. કંપનીઓએ પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટન રૂ.૭,૩૦૦નો વધારો કરતાં પ્રોપેનના ભાવ રૂ.૧૦૦ને પાર ગયા છે. નિકાસમાં મંદી, સ્થાનિક બજારમાં ઓછી માગ અને એકમોના શટડાઉન વચ્ચે ભાવ વધારાથી ઉદ્યોગકારોની ચિંતા વધી છે.
મોરબી: વિશ્વના બીજા ક્રમના સિરામિક ઉત્પાદન કેન્દ્ર તરીકે ઓળખાતા મોરબીના સિરામિક ઉદ્યોગ માટે મુશ્કેલીઓ સતત વધી રહી છે. અગાઉ નેચરલ ગેસના ભાવ રૂ.૧૦૦ને પાર પહોંચ્યા બાદ હવે પ્રોપેન ગેસના ભાવમાં પણ એક જ ઝાટકે પ્રતિ ટન રૂ.૭,૩૦૦નો વધારો ઝીંકવામાં આવ્યો છે. આ વધારાને પગલે અત્યાર સુધી રૂ.૯૩થી ૯૪ની આસપાસ પડતો પ્રોપેન ગેસનો ભાવ સેન્ચુરીને પાર પહોંચ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ ભાવ વધારાથી પ્રતિ ક્યુબિક મીટરે આશરે રૂ. ૬નો વધારાનો બોજ પડશે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભૌગોલિક રાજકીય તણાવ અને ક્રૂડ ઓઇલ તથા ગેસના ભાવમાં આવેલા ઉછાળાની અસર મોરબીના સિરામિક ઉદ્યોગ પર પડી રહી છે.
બીજી તરફ, નિકાસમાં મંદી અને સ્થાનિક બજારમાં લેવાલી નબળી રહેતાં અનેક સિરામિક એકમો સ્વૈચ્છિક શટડાઉન લઈને ઉત્પાદન ખર્ચને નિયંત્રણમાં રાખવા પ્રયાસ કરી રહ્યા છે. નેચરલ ગેસના ભાવ વધ્યા બાદ ખર્ચ ઘટાડવા માટે અનેક એકમો પ્રોપેન ગેસ તરફ વળ્યા હતા, કારણ કે તે નેચરલ ગેસ કરતાં પ્રતિ યુનિટ રૂ.૧૦થી ૧૫ જેટલો સસ્તો પડતો હતો. જોકે, અગાઉના મહિનામાં કંપનીઓ દ્વારા સતત ત્રણ વખત ભાવ વધારવામાં આવતાં બંને ગેસ વચ્ચેનો ભાવ તફાવત ઘટીને રૂ.૭થી ૮ની આસપાસ રહી ગયો હતો. હવે પ્રતિ ટન રૂ.૭,૩૦૦ના નવા વધારાથી પ્રોપેનનો વિકલ્પ પણ મોંઘો બન્યો છે. એક તરફ ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે અને બીજી તરફ બજારમાં માગ નબળી છે, ત્યારે ઉદ્યોગકારોમાં ચિંતા અને નારાજગી જોવા મળી રહી છે. ગેસના ભાવને લઈને સરકાર અસરકારક પગલાં ભરે તેવી ઉદ્યોગકારોની અપેક્ષા છે.






