વાંકાનેર તાલુકાના જોધપર ગામે પરિવારના નાના બાળકો વચ્ચે થયેલ ઝઘડાનો ખાર રાખી કાકા, કાકી તથા ભાભુ દ્વારા માતા-પિતાની ગેરહાજરીમાં ૧૪ વર્ષીય બાળકીને પાઇપ તથા રબ્બરની નળીઓ તેમજ ઢીકા પાટુ વડે માર મારવામાં આવ્યો હતો. ત્યારે અત્યંત ઘૃણાસ્પદ બનાવ અંગે પીડિતાની માતા દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સમક્ષ ત્રણેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, ત્યારે પોલીસે અમાનવીય કૃત્ય બદલ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, ફરિયાદી ભાવુબેન કિશનભાઈ સોલંકી ઉવ.૩૪ રહે. જોધપર ગામ તા.વાંકાનેર વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકે આરોપી પ્રવીણભાઇ અમરશીભાઇ સોલંકી, મધુબેન ગોપાલભાઇ સોલંકી તથા આરોપી મીનાબેન પ્રવીણભાઇ સોલંકી રહે.બધા જોધપર ગામ તા.વાંકાનેર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યા અનુસાર ફરીયાદી ભાવુબેનના દિકરા જયદિપ તથા જયદેવ બન્ને તેમના જેઠાણી આરોપી મધુબેનના દિકરા માનવ સાથે રમતા હોય રમતા રમતા ઝઘડો કરતા જે વાતનો ખાર રાખી, ઉપરોક્ત ત્રણેય આરોપીઓએ રીક્ષામા આવી, ફરીયાદીની ૧૪ વર્ષીય દિકરી શીવાની ચોકમા રમતી હોય તેને આરોપી પ્રવિણભાઈએ બે ઝાપટ મારી તથા પાઇપ વડે એક ધા માથામા મારી મુંઢ ઇજા કરી તેમજ આરોપી મધુબેને માસુમને ગેસની પાઇપ હાથમા મારી હતી, જે બાદ આરોપી મધુબેન અને મીનાબેને આડેધડ ઢીકાપાટુનો માર મારી, શિવાનીને શરીરે મુંઢ ઇજાઓ કરી ગુન્હામા એકાબીજાની મદદગારી કરી હતી, હાલ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.