ટ્રેક્ટર ટ્રોલીના છાયે સુવડાવેલ બાળકી ઉપર ટ્રેક્ટર-ટ્રોલીનું વ્હીલ ફરી વળ્યું
હળવદના મયાપુર ગામની સીમમાં મધ્યપ્રદેશના ખેત શ્રમિક પરિવારની ૨ વર્ષીય બાળકી ઉપર ટ્રેક્ટર ટ્રોલીનું વ્હીલ ફરી વળતા, બાળકીનું કરૂણ મૃત્યુ નીપજ્યાનો બનાવ સામે આવ્યો છે. અપમૃત્યુના બનાવ અંગે મળતી વિગતો અનુસાર, મૂળ મધ્યપ્રદેશના સિંદૂરીયા ગામના વતની હાલ હળવદ તાલુકાના અજીતગઢ ગામે પ્રવીણભાઈ પટેલની વાડીએ રહેતા સુનિલભાઈ રતનભાઈ વાનીયાની દીકરી ચાંદનીબેન સુનિલભાઈ વાનીયા ઉવ.૨, વાળીને તેના માતાએ ટ્રેકટર રજી નં. જીજે-૩૬-એપી-૦૪૬૬ની સાથેની ટ્રોલીના છાંયડામાં સુવાડેલ હોય ત્યારે બાળકીના માસીના દિકરાઓ કાનો ઉવ.આશરે ૧૦ વર્ષ તથા આનંદ ઉવ. આશરે ૭ વર્ષ વાળા એમ બંને રમતા રમતા ટ્રેકટર ચાલુ કરી દેતા, ટ્રેકટરના ટ્રોલીનુ વ્હીલ ૨ વર્ષીય બાળકી ચાંદની ઉપર ફરી વળતા માસુમનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું, હાલ હળવદ પોલીસે અ. મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.