મોરબી તાલુકાના ટીંબડી ગામ નજીક માળીયા-મોરબી હાઇવે પર અજાણ્યા વાહનની ઠોકરે બાઇક ચાલકને ગંભીર ઇજા થતાં તેનું કરૂણ મોત નિપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી તપાસ શરૂ કરી છે.
મોરબી તાલુકાના ટીંબડી ગામની સીમમાં માળીયા-મોરબી હાઇવે રોડ ઉપર ભારત બેન્ઝના શોરૂમ નજીક ગત તા. ૧૭/૧૨/૨૦૨૫ના રોજ રાત્રિના સમયે ગંભીર વાહન અકસ્માત સર્જાયો હતો. મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરેશકુમાર માણસુરભાઇ હેરમા ઉવ.૨૯ બાઇક ઉપર પસાર થઈ રહ્યા હતા તે દરમ્યાન અજાણ્યા વાહને તેમની બાઇકને જોરદાર ટક્કર મારતા તેઓને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ યુવકને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ઇજાઓ ગંભીર હોવાથી તેમનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે મોરબી સરકારી હોસ્પિટલના ફરજ ઉપર હાજર તબીબ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. હાલ પોલીસે અ.મોત દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.









