મોરબી તાલુકાના જેતપર ગામે માતાજીના માંડવાના પ્રસંગમાં આવેલ હળવદના પરિવારની ૪ વર્ષીય બાળકી શંકાસ્પદ રીતે અચાનક લાપતા બનતા, પરિવાર તથા જેતપર ગામવાસીઓ દ્વારા સઘન શોધખોળ છતાં, બાળકી નહીં મળી આવતા, તેના પિતા દ્વારા તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા ઈસમોએ બાળકીનું અપહરણ કર્યા અંગેનો શક રાખી ફરિયાદ નોંધાવવામાં આવી છે, હાલ પોલીસે અત્યંત ચકચારી અને ગંભીર બનાવ અંગે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મળતી વિગતો અનુસાર, હળવદ ટાઉનના કુંભાર દરવાજા બહાર રામાપીર મંદિર રહેતા મુનાભાઈ દુદાભાઈ ગોલતર ઉવ.૨૮ કે જેઓ સીએનજી રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હોય તેને મોરબી તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ગઈકાલ તા.૦૬/૦૪ના રોજ મોરબી તાલુકાના જેતપર ગામે રણછોડભાઈ પરસાડીયાના ઘરે માતાજીનો માંડવાનો પ્રસંગ હોય ત્યારે પત્ની, બે પુત્રો અને એક ૪ વર્ષીય પુત્રી જિયાંશી સાથે જેતપર ગામે આવ્યા હતા, ત્યારે બપોરના ૧.૩૦ વાગ્યા બાદ પુત્રી જિયાંશી અચાનક ગુમ થઈ હતી, ત્યારે પુત્રીની શોધખોળ કરવા છતાં નહિ મળી આવતા, રામજી મંદિરમાં લગાવવામાં આવેલ સીસીટીવી ચેક કર્યા હતા, જેમાં ૪ વર્ષીય બાળકી જેતપર પીજીવીસીએલ કચેરીથી ભરવાડ સમાજની વાડી સુધીમાં ગુમ થઈ હોવાનું સામે આવ્યું હતું, ત્યારે હાલ તાલુકા પોલીસે માસુમ બાળકીની ભાળ મેળવવા અલગ અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.