ટંકારાના સજનપર(ઘુ)ગામે ખેતી કરતા અને ખોલની દુકાન ધરાવતા ૬૯ વર્ષીય વૃદ્ધ ઉપર તે જ ગામના પાંચ વ્યક્તિઓ દ્વારા લાકડાના ધોકા વડે માર મારવામાં આવ્યો છે, સાથે જાનથી મારી નાખવાની ધમકી પણ આપવતા પાંચેય આરોપીઓ સામે સારવારમાં રહેલ ભોગ બનનાર વૃદ્ધે ટંકારા પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના સજનપર ગામે રહેતા હરજીભાઈ લીંબાભાઈ બરાસરા ઉવ.૬૯ એ હોસ્પિટલના બિછાનેથી ટંકારા પોલીસ સમક્ષ આરોપી અશોકભાઈ પ્રભુભાઈ બરાસરા, વિનોદભાઈ પ્રભુભાઈ બરાસરા, ભરતભાઈ પ્રભુભાઈ બરાસરા, પાર્થ અશોકભાઈ બરાસરા તથા મીલન અશોકભાઈ બરાસરા રહે- બધા સજનપર (ઘુ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે બે-ત્રણ દિવસ પહેલા આરોપી વિનોદભાઈ ફરિયાદી હરજીભાઈની દુકાન પાસે ઉભા રહીને ગાળો બોલતા હોય જેથી ગાળો બોલવાની ના પાડતા આરોપી વિનોદભાઈએ આ વાતનો ખાર રાખી તેમના ભાઈઓ તથા ભત્રીજાઓ સાથે મળીને ગઈ તા.૦૩/૧૧ ના રોજ સાંજે ૫ વાગ્યે જ્યારે ફરિયાદી તેમની ખોળની દુકાને બેઠા હોય ત્યાં આવી લાકડાના ધોકા વડે વૃદ્ધ વેપારીને પકડી રાખી તેના ઉપર હુમલો કર્યો હતો, જેમાં લાકડાના ધોકાના આડેધડ ઘા મારી હરજીભાઈની શરીરે મૂંઢ ઇજાઓ પહોંચાડી હતી, જે દરમિયાન હરજીભાઈના પુત્રવધુ તથા દુકાનની આજુબાજુ રહેતા લોકો એકઠા થઈ જતા તમામ આરોપીઓ જતા રહ્યા હતા, ત્યારે જતા જતા આરોપીઓએ હરજીભાઈની જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ઉપરોક્ત પાંચેય આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.