હળવદના ચરાડવા ગામ નજીક માર્ગ અકસ્માતની ઘટનામાં માતેલા સાંઢની જેમ રોડ ઉપર બેખોફ ફૂલ સ્પીડ અને બેદરકારીથી ચાલતા ડમ્પરે મોટર સાયકલને હડફેટે લેતા મોટર સાયકલ ચાલક સહિત બંને યુવકોનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. હાલ અકસ્માતની ઘટના અંગેની ફરિયાદને આધારે હળવદ પોલીસે આરોપી ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.
મળતી માહિતી મુજબ, હળવદ તાલુકાના ચરાડવા ગામથી આંદરણા જવાના રસ્તે રોડ ઉપર અકસ્માતની ઘટનામાં બે મધ્યપ્રદેશના યુવકોના મોત નિપજ્યા હતા. જે અકસ્માત અંગેની વિગતો મુજબ, હળવદના વાકડા ગામે ખરાબામાં રાગેટ મૂળ મધ્યપ્રદેશના ધ્યાના ગામના વતની સોનુસિંહ નાનસિંહ ભીંડે અને ભુરસિંહ કાળુસિંહ લોહરીયા એમ બન્ને બાંધકામના કામમાં સેંટિંગ માટે ગત તા ૨૧/૧૧ ના રોજ પાલસર મોટર સાયકલ રજી.ન. જીજે-૩૪-ઈ-૫૧૭૮ લઈને માથક ગામથી સમલી ગામ જઈ રહ્યા હોય તે દરમિયાન ચરાડવા ગામથી આંદરણા ગામ વચ્ચે સીએનજી પંપ પાસે આવેલ કપચીના કારખાનામાંથી ડમ્પર રજી.નં. જીજે-૩૬-એક્સ-૩૪૪૨ના ચાલકે પોતાનું વાહન પુર ઝડપે અને બેદરકારી રીતે ચલાવી આવી એકદમ રોડ ઉપર લેતા, જ્યાં પલ્સર મોટર સાયકલને હકડફેટે લેતા મોટર સાયકલ ચાલક સોનુસિંહનું સ્થળ ઉપર મૃત્યુ નિપજ્યું હતું, જ્યારે મોટર સાયકલમાં પાછળ બેસેલ ભુરસિંહ લોહરીયાનું મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ચાલુ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. હાલ મોટર સાયકલ સવાર બન્ને યુવકોના અકસ્માતમાં મોત અંગે મૃતક સોનુસિંહના નાનાભાઈ રાજેશ નાનસિંહ ભીંડેની ફરિયાદને આધારે હળવદ પોલીસે આરોપી ડમ્પર ચાલક સામે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.









