રક્તદાનને મહાદાન ગણવામાં આવે છે. આજના સમયમાં એક્સિડન્ટના કેસોમાં પણ ખૂબ જ વધારો નોંધાઈ રહ્યો છે.એક્સિડન્ટના દર્દીઓ તથા નાના-મોટા ઓપરેશન કરતી વખતે લોહીની ખૂબ જ જરૂરિયાત પડતી હોય છે. આવા સંજોગોમાં આવા બ્લડ ડોનેશન થકી જ એકત્રિત થયેલું રક્ત કામ આવે છે. થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓને પણ લોહીની ખૂબ જ જરૂરિયાત પડતી હોય છે. તેથી લોહીની માંગને પહોંચી વળવા માટે અવારનવાર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજે તા.૦૯/૦૧/૨૦૨૫ ના રોજ મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પવનકુમાર શ્રીવાસ્તવનાં સીધા માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ કચેરી માળીયા, GMERS મેડીકલ કોલેજ મોરબી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડના સહયોગથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પને સરવડ પંચાયતના સરપંચ, નવનીતભાઈ, ગામના આગેવાન મણીલાલ સરડવા અને જીલ્લા આર.સી.એચ. અધીકારી ડો. સંજય શાહ દ્વારા દિપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને પ્રસંગને અનુરૂપ પોતાનાં હકારાત્મક વિચારો રજુ કરેલ અને લોકોને બહોળી માત્રામાં આ કેમ્પમાં રક્તદાન કરવા માટે અનુરોધ કર્યો હતો, આ કેમ્પમાં સરવડ ગામમાંથી તેમજ આજુબાજુના ગામમાંથી આવેલ લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું.જેમાં કુલ ૪૬ યુનિટ બ્લડનું કલેક્શન કરવામાં આવ્યું હતું. આ કેમ્પને સફળ બનાવવા માટે જીલ્લા પંચાયત આરોગ્ય શાખાનાં જિલ્લા IEC ઓફિસર સંઘાણીભાઈ, ડો.અક્ષય સુરાણી, મેડીકલ ઓફિસર, પ્રા.આ.કેન્દ્ર -સરવડ માળીયા તાલુકા હેલ્થ સુપરવાઈઝર મુકેશ પરમાર તેમજ પ્રા.આ.કેન્દ્ર સરવડના પંકજભાઈ પીઠડીયા તેમજ અન્ય આરોગ્ય સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવેલ અને આ કાર્યક્રમને સફળ બનાવ્યું હતું.