આજે સ્વામી વિવેકાનંદની 161મી જન્મજયંતિ છે. તેઓ સમાજની સુધારણા માટે શિક્ષણની શક્તિમાં માનતા હતા અને ચારિત્ર્ય ઘડતર અને મૂલ્ય આધારિત શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમના ભાષણો અને લખાણો દ્વારા તેમણે અસંખ્ય લોકોને પ્રેરણા આપી અને સમગ્ર વિશ્વમાં ભારતની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ઓળખ ફેલાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ત્યારે આજ રોજ મોરબી ખાતે સ્વામી વિવેકાનંદના જીવન કવન પર પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
મળતી માહિતી અનુસાર, રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગ્રંથાલય ખાતું ગાંધીનગર સરકારી જિલ્લા ગ્રંથાલય મોરબી ખાતે આજ રોજ તા. 12/01/2024 ના રોજ બપ્પોરે 11:30 કલાકે સ્વામી વિવેકાનંદની 161 મી જન્મ જયંતિ નિમિત્તે અને રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણીના ભાગ રૂપે સ્વામી વિવેકાનંદના જીવન કવન પર પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું ઉદઘાટન મોરબી ગ્રામ્યના મામલતદાર નિખિલ એચ. મહેતા અને વિમલગીરી જે. ગોસ્વામી અને વાચકો અને સ્ટાફ મિત્રો દ્વારા કરવામાં આવેલ હતું. આ પુસ્તક પ્રદર્શનનો લાભ બહોળી સંખ્યામાં વિદ્યાર્થી ગણ તેમજ વાચક રસીકો અને બાળકો દ્વારા લેવામાં આવ્યો હતો અને રસ પૂર્વક નિહાળ્યો હતો.