મોરબી તાલુકાના જેતપર ગામે પૈસાની લેતી-દેતીના મુદ્દે હળવદના માથાભારે શખ્સ સહિત બે અજાણ્યા શખ્સોએ બળજબરીથી કાર, રોકડા રૂપિયા અને મોબાઇલ લૂંટી લીધા હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકે નોંધાઈ છે. જેમાં મિત્ર સાથેની પૈસાની લેતી દેતી મામલે ભોગ બનનાર અને તેના પરિવારને બેફામ અપશબ્દો તથા જાનથી મારી નાખવાની ધમકી આપી લૂંટફાટ ચલાવી હતી. હાલ પીડિતની ફરિયાદને આધારે તાલુકા પોલીસે ત્રણ આરોપીઓ વિરુદ્ધ બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકાના જેતપર ગામમાં રહેતા જયકુમાર સુરેશભાઈ અમ્રુતીયા ઉવ.૨૫ એ તાલુકા પોલીસ મથકમાં આરોપી પંકજ ચમનભાઈ કોઠી રહે.હળવદ તથા અજાણ્યા બે ઈસમો સહિત ત્રણ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, તા.૧૪ સપ્ટેમ્બર ૨૦૨૫ની રાત્રે જયકુમાર પોતાની માલિકીની મારુતિ સુઝુકી ફ્રોક્સ કાર જીજે-૩૬-એપી-૪૪૪૭ લઇ ઘરે આવ્યા ત્યારે હળવદનો માથાભારે શખ્સ આરોપી પંકજભાઈ ચમનભાઈ ગોઠી તથા બે અજાણ્યા શખ્સો ત્યાં હતા, અને પૈસાની લેવડદેવડના મુદ્દે ઝઘડો કરતો હતો અને તેમના માતા અને ભાઈને ગાળો આપતો હોય જે બાદ ફરિયાદી જયકુમારને અને તેના પરિવારને ગાળો આપીને મારઝૂડ કરવાની કોશિશ કરી હતી. ત્યારબાદ આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરિયાદીની કારની ચાવી બળજબરીથી પડાવી લઈને કાર તથા કારમાં રહેલ રોકડા રૂ. ૫૦,૦૦૦/-, ત્રણ મોબાઇલ સહિત કુલ રૂ.૬,૦૪,૦૦૦/-ના મુદ્દામાલની બળજબરીપૂર્વક લૂંટ ચલાવી ત્રણેય આરોપીઓ ચાલ્યા ગયા હતા. હાલ મોરબી તાલુકા પોલીસે આરોપીઓ વિરુદ્ધ લૂંટફાટ તથા ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.