મોરબી-વાંકાનેર હાઈવે ઉપર આવેલા હિમાલયા પ્લાઝા કોમ્પ્લેક્સમાં સ્પર્શ સ્પા એન્ડ સલુનમાં દેહ વેપાર ચાલી રહ્યો હોવાની બાતમીના આધારે મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ટીમે રેડ કરતા સ્પાની આડમાં કુટણખાનું ચાલતું હોવાનું સામે આવ્યું હતું. આ સાથે પોલીસ ટીમે સ્થળે ઉપરથી એક ઈસમની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય આરોપી રેઇડ દરમિયાન હાજર નહિ મળી આવતા તેને ફરાર દર્શાવી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રાણેકપર ગામના પાટીયા પાસે આવેલ હિમાલયા પ્લાઝા કોમ્પ્લેક્સમાં આવેલ સ્પર્શ સ્પા એન્ડ સલુનમાં દેહવિક્રીયનો ધંધો ચાલતો હોવાની ખાનગીરાહે બાતમી મળતા મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ટીમે સ્થળ પર રેડ કરી હતી. બાતમી મુજબ સ્પાના માલિક રવિન્દ્રભાઈ નવીનચંદ્ર સોલંકી અને તેની ટોળકી દ્વારા બહારથી લાવેલ યુવતીઓને સ્પાના ઓઠા તળે રાખી, સ્પામાં આવતા ગ્રાહકોને મસાજના બહાને દેહસુખની સવલતો પૂરી પાડતા હોવાની માહિતી હતી. રેડ દરમ્યાન સ્થળ પરથી આરોપી અરવિંદભાઈ વશરામભાઈ દેંગડા રહે.વાંકાનેર નવાપરા મુળરહે. ખીજડીયા તા.વાંકાનેર વાળાને ઝડપી લેવામાં આવ્યો હતો. જ્યારે મુખ્ય સંચાલક રવિન્દ્રભાઈ નવીનચંદ્ર સોલંકી રહે. સોનીશેરી, દરબારગઢ રોડ, વાંકાનેર રેઇડ દરમિયાન સ્થળ પર હાજર ન મળતા તેને ફરાર જાહેર કરી છે. આરોપીઓ વિરુદ્ધ ધી ઈમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે