મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા દારૂના ધંધાર્થીઓ ઉપર તૂટી પડવા આદેશ અપાતા જિલ્લાના તમામ પોલીસ મથકો દ્વારા દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર દરોડા પાડવામાં આવી રહ્યા છે. જ્યાં વાંકાનેરના વીરપર ગામની સીમમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ચલાવતો એક શખ્સ ઝડપાયો છે. જયારે અન્ય ત્રણ ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, ગુજરાતના DGPએ ગેરકાયદેસર અગ્નિશસ્ત્રો અને દારૂગોળાના ઉત્પાદન, સંગ્રહ હેરાફેરી, અને ઉપયોગ સંબંધિત પ્રવૃતિ ઉપર નિયંત્રણ લાવવા ખાસ ઝુંબેશનુ આયોજન કરેલ હોય જે અંગે રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તેમજ મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ ગેરકાયદેસર હથિયાર રાખતા ઇમસોને શોધી કાઢી કાર્યવાહી કરવા સુચના કરેલ હતું. જે અન્વયે કામગીરી કરતા દરમિયાન વાંકાનેર તાલુકા પોલીસની ટીમે વીરપર ગામની સોરસગો તરીકે ઓળખાતી સીમમાં આવેલ મુકેશભાઇ રામજીભાઇ મકવાણા તથા મનીષ રામજી મકવાણાના ખેતરના શેઢા પાસે આવેલ ખરાબામાં રેઇડ કરી હતી. અને સ્થળ પરથી મુકેશભાઇ રામજીભાઇ મકવાણાને ૪૦૦ લીટર ગરમ આથો, ૨૦૦૦ લીટર ઠંડો આથો, ૮૦ લીટર ગરમ દેશી દારૂ તથા ૨૦૦ લીટર ઠંડો દેશી દારૂ તેમજ ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ.૨૩,૯૮૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો છે. જયારે તેની પૂછપરછ કરતા આરોપીએ આ ધંધામાં મનીષ રામજી મકવાણા, જયેશ ટોટા તથા ગણેશ મોહન મકવાણા તેના ભાગીદારો હોવાનું કબુલ્યું છે. જે હકીકતના આધારે પોલીસે આરોપી મુકેશભાઇ રામજીભાઇ મકવાણાની અટકાયત કરી અન્ય ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેઓની શોધખોળ હાથ ધરી છે.