હળવદ-ધાંગધ્રા હાઈવે પર આવેલ સુખપર નજીક પુર પાટ વેગે દોડતી કાર પુલ સાથે ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં એક મહિલા કાળનો કોળિયો બની ગઈ હતી જ્યારે અન્ય ત્રણ વ્યક્તિને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

આ ગોઝારી ઘટનાની જાણવા મળતી પ્રાથમિક વિગત અનુસાર અમદાવાદથી મોરબી જતા પરિવારને હળવદ-ધાંગધ્રા હાઈવે પરના સુખપર નજીક અકસ્માત નડ્યો હતો. જેમાં GJ 01 FT 1671 નંબરના કારના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા હુંડાઈ એક્સેન્ટ કાર પુલ સાથે અથડાઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં વિરૂબેન કારીયા નામની મહિલાને સારવાર મળે તે પહેલા જ કાળનો ભેટો થઈ જતા તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

જ્યારે વિમણાબેન ધર્મેશભાઈ (ઉ.વ. 35 રહે-અમદાવાદ), હેમાંગીબેન ધર્મેશભાઈ (ઉ.વ.9-રહે-અમદાવાદ) અને ધર્મેશભાઈ દેવેન્દ્રભાઈ (ઉ.વ.40-રહે-અમદાવાદ) ને ગંભીર ઇજા પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.









