મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે નજીક સરતાનપર રોડ ઉપર કામ પરથી ઘરે પરત ફરી રહેલા બે મિત્રોને પાછળથી ઓવરટેક કરતી કારે જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં બાઈક ચાલકને પગ અને હાથમાં ફ્રેક્ચર જેવી ઈજાઓ તથા પાછળ બેસેલા મિત્રને કમરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત સર્જી કાર ચાલક પોતાનું વાહન સ્થળ ઉપરથી લઈને ફરાર થઈ ગયો હતો. તાલુકા પોલીસ દ્વારા કારના નંબરના આધારે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, મોરબીમાં ઢેઢીની વાડી બોરીયા પાટી નિશાળ નજીક રહેતા ધનજીભાઈ રણછોડબગાઈ પરમાર ઉવ.૪૫ અને તેમનો મિત્ર પ્રભુભાઈ ભગવાનજીભાઈ ચાવડા ગત તા.૦૮/૦૪ના રોજ મોરબીના સરતાનપર રોડ ઉપર મોટો સીરામીક કારખાનામાં કડીયા કામ મજૂરીનું કામ પૂર્ણ કરીને હોન્ડા સાઈન રજી.નં. જીજે-૩૬-એએન-૦૯૧૨ મોટર સાયકલ ઉપર ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન પાછળથી ઓવરટેક કરતી ફોરવ્હીલ કાર રજી.નં. જીજે-૧૦-સીએન-૭૬૯૪ના ચાલકે બેફીકરાઈથી અને પુરઝડપે વાહન ચલાવી મોટર સાયકલને પાછળથી ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. ત્યારે બંને મિત્રો રોડ પર પટકાયા હતા, જેમાં બાઈક ચાલકને જમણા પગ અને ડાબા હાથમાં ફ્રેક્ચર જેવી ઈજાઓ થઈ હતી, જ્યારે પાછળ બેસેલા મિત્રને કમરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને પ્રથમ મોરબી ખાતે સારવાર અપાઈ બાદ વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટના બાદ કાર ચાલક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો. હાલ મોરબી તાલુકા પોલીસે ઇજાગ્રસ્ત ધનજીભાઈ પરમારની ફરિયાદને આધારે અજાણ્યા કાર ચાલક આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.









