મોરબી જિલ્લો ઔધોગિક દ્રષ્ટીએ ખુબ જ મહત્વનો છે. જેમાં દેશ વિદેશથી મોટા પ્રમાણમાં સીરામીક ટાઇલ્સ ખરીદી માટે વેપારીઓ તથા ટૂરિસ્ટો આવતા જતાં હોય છે. તેમજ લઘુ ઉદ્યોગોમાં પણ મોરબી શહેર મોખરે છે. જેથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ મહત્વની માહિતી મળી રહે તે માટે ‘પથિક’ સોફ્ટવેરની અમલવારી માટે મોરબી જિલ્લા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં કોઈ પણ પર પ્રાંતીય શખ્સને નોકરીએ રાખતા પહેલા રજીસ્ટર કરાવવું પડે છે. ત્યારે મોરબીના એક ગુન્હામાં રવાપર ગોલ્ડન માર્કેટપાછળ વિરાટ-એ એપાર્ટમેન્ટમાંથી આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. જે આરોપીનું પોલીસ ચોપડે રજીસ્ટ્રેશન થયેલ ન હોવાનું જણાઈ આવતા એપાર્ટમેન્ટના પ્રમુખ વિરુદ્ધ ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુ.ર.નં.૧૪૭૭/૨૦૨૪ બી.એન.એસ કલમ.૩૦૫(એ), ૩૩૧(૪),૫૪ મુજબના ગુન્હાનો આરોપી પંકજ બિશેભાઇ ઢોલી (રહે.મોરબી રવાપર ગોલ્ડન માર્કેટપાછળ વિરાટ-એ એપાર્ટમેન્ટ પાર્કીંગમાં મુળરહે.રાકુ(શીરવાડી) ગાવ, પંચદેવલ વિનાયકનગર (નગરપાલીકા) જી.અચ્છામ(નેપાળદેશ)) મોરબી રવાપર ગોલ્ડન માર્કેટપાછળ વિરાટ-એ એપાર્ટમેન્ટ પાર્કીંગમાંથી ઝડપાયો હતો. જે અહીં જ રહી ચોકીદારી તેમજ સાફ સફાઇનુ કામ કરતો હતો. જેથી વિરાટ-એ એપાર્ટમેન્ટના પ્રમુખને પકડાયેલ આરોપીની માહીતી સબંધીત પોલીસ સ્ટેશન ખાતે આપેલ છે કે નહી તે બાબતે પુછપરછ કરતા આવી કોઇ માહીતી તેને ઘરઘાટી/ચોકીદારની માહીતી પોલીસ સ્ટેશન આપેલ ન હોય જેથી એપાર્ટમેન્ટના પ્રમુખ ઓધવજીભાઈ લીબાભાઈ સુવારીયા વિરુધ્ધ કલેકટરના જાહેરનામાના ભંગ સબબ બી.એન.એસ કલમ.૨૨૩ મુજબ ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ આ અંગે પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જે લોકો એપાર્ટેમેન્ટ કારખાનાઓમા આવા ઘરઘાટી/ચોકીદાર રાખતા હોય તેઓએ આ સાથે ઘરઘાટી ફોર્મ હોય જે ભરી નજીકના પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવી પોલીસને સહકાર આપવો જોઈએ.