મોરબીમાં પ્રૌઢને રીક્ષામાં બેસાડી,જ્યાં પહેલેથી જ મુસાફરના સ્વાંગમાં બેઠેલા એક મહિલા અને પુરુષે ધક્કા-મુક્કી કરી પ્રૌઢનું ધ્યાન ભટકાવી પેન્ટના ખિસ્સામાં રહેલા રોકડા રૂ.૧૮ હજાર કાઢી લેતા અજાણ્યા રીક્ષા-ચાલક સહિત ત્રણ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના કામધેનુ સામે ઇન્દ્રપ્રસ્થ સોસાયટી બ્લોક નં. ૮૦ માં રહેતા ભરતભાઇ હીરાભાઈ ડાભી નામના ૫૯ વર્ષીય પ્રૌઢ દ્વારા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં પોતાની ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે, ગઈ તા.૧૭/૦૬ ના રોજ ભરાતભાઈ ઘર માટે કરિયાણુ લેવા મોરબી નવડેલા રોડ ઉપર આવ્યા હતા, જ્યાંથી શાકભાજી લેવા નગર દરવાજા નજીક શાક-માર્કેટ જવાનું હોય તે માટે ત્યાંથી પસાર થયેલ સીએનજી રીક્ષામાં બેઠા ત્યારે તેમાં પહેલેથી એક મહિલા તેના બે બાળકો તથા એક પુરુષ બેઠા હતા, રીક્ષા થોડી આગળ વ્હાલી ત્યારે મહિલાએ કહ્યું કે બાળકો દબાય છે, એમ કહી ધક્કા-મુક્કી કરી ભરતભાઈને વચ્ચેની સીટમાં જવાનું કહ્યું હતું, જેથી તેઓ ચાલુ રીક્ષાએ પોતાની જગ્યા બદલી હતી, ત્યારે આ સમય દરમિયાન ભરતભાઇના પેન્ટના ખિસ્સામાં રહેલા રૂપિયા સેરવી લીધા હતા. જે બાદ સિવિલ હોસ્પિટલ ચોક ખાતે ભરતભાઈને ઉતારી રીક્ષા ત્યાંથી ચાલી ગયી હતી, ત્યારે ભરતભાઈએ પોતાના પેન્ટના ખિસ્સામાં જોયું તો ખિસ્સામાં રહેલા રોકડા રૂ.૧૮,૦૦૦/- મળ્યા નહિ. હાલ પોલીસે આરોપી અજાણ્યા સીએનજી રીક્ષા ચાલક, મુસાફરના સ્વાંગમાં બેઠેલ અજાણી મહિલા તથા એક અજાણ્યો પુરુષ એમ ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.