વિદ્યાર્થીઓ સામે કેફી પ્રવાહી પીતો અને નશામાં ગેરવર્તનનો આરોપ, સમાજસેવકની ફરિયાદ બાદ પોલીસ દ્વારા શિક્ષક વિરુદ્ધ ગુનો નોંધ્યો.
મોરબી તાલુકાના આંદરણા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક ચાલુ ક્લાસ દરમિયાન દારૂ પીતો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ગામના સમાજસેવકની ફરિયાદના આધારે પોલીસે શિક્ષક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. ઘટના સમયે શિક્ષક પોલીસ આવે તે પહેલા સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ત્યારે સરકારી શિક્ષકની બેગમાંથી વિદેશી દારૂની અડધી બોટલ મળી આવતા પોલીસ દ્વારા બોટલ કબ્જે લઈ, ફરાર આરોપી શિક્ષકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
મોરબી તાલુકાના આંદરણા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષણ જગતને શર્મસાર કરતો એક ગંભીર બનાવ સામે આવ્યો છે. શાળામાં ફરજ બજાવતા સરકારી શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓની સામે જ દારૂ પીવામાં આવતો હોવાનો આરોપ લાગતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ અંગે આંદરણા ગામના સમાજસેવક નીતેશભાઈ મનજીભાઈ ચાવડાએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ગઈકાલ તા. ૬ માર્ચના રોજ ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક રાજુભાઈ ખીમજીભાઈ પરમાર રહે. હાલ ચરાડવા કે.ટી.મિલ સામે મૂળરહે. બજાણા તા.પાટડી જી.સુરેન્દ્રનગર વાળો ચાલુ ક્લાસ દરમિયાન વિદ્યાર્થીઓ સામે જ કેફી પ્રવાહી પીતો હોવાની માહિતી મળી હતી. જેથી ફરિયાદી નીતેશભાઈ ચાવડા તાત્કાલિક શાળાએ પહોંચ્યા હતા. ત્યાં સરકારી શાળાના શિક્ષક રાજુભાઈ પરમાર ચિક્કાર દારૂના નશામાં હોવાનું અને વિદ્યાર્થીઓ સામે ગેરવર્તન કરતા હોવાનું જોયું હતું. જે બાદમાં ગામના નિવૃત આર્મીમેન અનિલભાઈ સંઘાણીએ ૧૧૨ પર ફોન કરી પોલીસને જાણ કરી હતી. પોલીસ પહોંચે તે પહેલા જ આરોપી શિક્ષક રાજુભાઈ પરમાર શાળામાંથી ભાગી ગયા હતા. ત્યારબાદ શિક્ષકની બેગની તપાસ કરતા તેમાથી વિદેશી દારૂ ‘રોયલ સ્ટગ વ્હિસ્કી’ની આશરે ૫૦૦ એમએલની એક બોટલ મળી આવી હતી. હાલ પોલીસે ફરાર આરોપી શિક્ષક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.









