મોરબીની વર્ષો જૂની સોસાયટીના લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. જેમાં મોરબીનાં નવા બસ સ્ટેન્ડ સામે સોસાયટીમાં આકાર પામી રહેલા કોમ્પલેક્સ સોસાયટીના સભ્યોની જાણ બહાર બનાવવામાં આવી રહ્યું હોય જે અંગે સ્થાનિકોએ કલેકટર કચેરી અને નગરપાલિકામાં રજૂઆત કરતા નગરપાલિકા દ્વારા કોમ્પલેક્સની મંજુરી રદ કરવામાં આવી છે.
સરકારી કર્મચારી ઘર બાંધનારી મંડળી લી.નાં જણાવ્યા અનુસાર, નવા બસ સ્ટેન્ડ સામે આવેલ સોસાયટીની વર્ષ ૧૯૬૨ માં સ્થાપના કરવામાં આવી હતી. જે સોસાયટીમાં 24 પ્લોટ ધારકો પરિવાર સાથે વર્ષોથી વસવાટ કરે છે. આ સોસાયટીમાં અચાનક અંદાજે એકાદ મહિના પેહલા સોસાયટીના સભ્યોની જાણ બહાર બે પ્લોટમાં (પ્લોટ ન. ૧અ અને ૧બ) આસ્થા બિલ્ડર દ્વારા કોમર્સીયલ કોમ્પ્લેક્સ બનાવવાનું શરુ કરવામાં આવતા સોસયટીના રહીસો દ્વારા વિરોધ નોંધાવામાં આવ્યો હતો. તેમ છતાં કામ ચાલુ રાખવામાં આવતા સોસાયટીના રહીશો દ્વારા કલેકટર કચેરી અને નગર પાલિકાનો સંપર્ક કરી બાંધકામ અંગે જાણ કરવામાં આવતા ગઈ કાલે નગરપાલિકા દ્વારા બાંધકામ ગેરલાયક ગણાવી બાંધકામ સ્થગિત કરવાનો હુકુમ કરવામાં આવ્યો હતો.