મોરબી જિલ્લામાં બે અકસ્માતના બનાવ બનવા પામ્યા હતાં. જેમાં રંગપર ગામમાં ઈસ્ટોન સીરામિકમાં માટીના ઢગલા ઉપર ચઢતા ચાર વર્ષનું બાળક માટીના ઢગલામા દબાઈ જતા તેનું મોત નિપજ્યું હતું. જ્યારે વાંકાનેરની આશીયાના સોસાયટીમાં રહેતા યુવકને પોતાના ઘરે પાણીની મોટરમાથી ઇલેક્ટ્રીક શોક લાગતા મૃત્યુ નિપજ્યું હતું.
પ્રથમ બનાવમાં, મોરબી તાલુકાના રંગપર ગામમાં આવેલ ઈસ્ટોન સીરામિક ખાતે રહેતા વિશાલ મંછારામ બારેલા નામનો ચાર વર્ષીય બાળક ગાઇકાલે તા.૨૬/૦૮/૨૩ ના રોજ માટીના ઢગલા ઉપર ચઢતા માટીનો ઢગલામા દબાઈ જતા તેને તાત્કાલિક બહાર કાઢી તેના પિતા મંછારામ ખેમારામ દ્વારા બાળકને સારવાર અર્થે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં મોરબીની સરકારી હોસ્પિટલના ડો. આર.કે.સીંઘ સાહેબ દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. અને સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવવામાં આવી હતી.
બીજા બનાવમાં, વાંકાનેરની આશીયાના સોસાયટી ખાતે રહેતા પ્રવિણભાઇ તરશીભાઇ ધરજીયાને ગઈકાલે પોતાના ઘરે પાણીની મોટરમાથી ઇલેક્ટ્રીક શોક લાગતા તેને તાત્કાલિક વાંકાનેરની સિવિલ હોસ્પિટલ ખાતે વિજયભાઇ દ્વારા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તેમને સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું. જેને લઇ ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કરી સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવવામાં આવી હતી.