મોરબીના મોરબી હળવદ રોડ ઉપર વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં રિવર્સમાં આવતી બોલેરો કારે પોતાના ઘરની બહાર રમતા ભૂલકાનાં માથા પર કારનું ટાયર ફેરવી દેતા બાળકનું મોત નીપજ્યું છે.
મળતી માહિતી અનુસાર, મોરબી હળવદ રોડ ઉપર સીટી ઇન્ડસ્ટ્રીજ ક્રીડ કેમીકલ કારખાનામા રહેતા ભીલુભાઇ ઉર્ફે રાહુલ કમરૂભાઇ બિલવાલનો ૧ વર્ષનો બાળક તેમની રૂમની સામે રમતો હતો. તે દરમિયાન GJ-13-AW-9842 નંબરની બોલેરો કારના ચાલકે પોતાની ગાડી ગફલત ભરી રીતે ચલાવી રિવર્સ લેતા ત્યાં રમી રહેલ બાળક કાર્તીક ભીલુભાઇ બીલવાલ પર ફેરવી દેતા બાળકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેના કારણે તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ત્યારે સમગ્ર મામલે બાળકનાં પિતા ભીલુભાઇએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે