બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય એ હેતુસર શાળાઓ દ્વારા દરવર્ષે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન રાખવામાં આવે છે. ત્યારે મોરબીની નાગડાવાસ તાલુકા શાળામાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
વૈશ્વિક સ્તરે શિક્ષણની ક્ષિતિજો વિકસિ રહી છે. ત્યારે નાગડાવાસ સીઆરસી કોરડીનેટર અને મોરબી નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દેવાયતભાઈ હેરભાના માર્ગદર્શનમાં “બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન -2024/25″નું તા.14/09/24 ના રોજ નાગડાવાસ તાલુકા શાળામાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ વૈવિધ્યસભર પ્રતિભાથી પોતાની પ્રતિભા રજૂ કરી હતી. ખાસ આકર્ષણ 6 થી 8 ના બાળકોની વૈજ્ઞાનિક કૃતિઓ હતી.
પ્રદર્શન-નિદર્શન બાદ બાળકોને શિક્ષકગણ દ્વારા પ્રોત્સાહિત કરાયા હતા. શાળા સમયબાદ ઘણા શિક્ષકમિત્રોએ કૃતિઓ નિહાળી હતી. કાર્યક્રમને અંતે ભાગ લેનાર બાળકોને ગરમા ગરમ સ્વાદિષ્ટ પૌષ્ટિક ભોજન આપવામાં આવ્યું હતું. ખરેખર ભાવિ પેઢી તૈયાર કરવામાં આવા કાર્યક્રમો આવકારદાયક હોય છે. તેવું આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું.