વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામમાં યુવતીને અવારનવાર હેરાન કરી પ્રેમસંબંધ ચાલુ રાખવા દબાણ કરવાના બનાવમાં એક શખ્સ સામે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. યુવતીએ સંબંધ રાખવાની ના પાડ્યા છતાં આરોપી સોશિયલ મીડિયામાં ફોટા મૂકીને તથા પીછો કરીને માનસિક ત્રાસ આપતો હોવાની યુવતી દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ બીએનએસ કલમ ૭૮ મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, પંચાસીયા ગામની એક યુવતી સાથે આરોપી વિજયભાઇ મોહનભાઇ ચાવડા રહે-પંચાસીયા તા.વાંકાનેરને અગાઉ પ્રેમસંબંધ હતો. બાદમાં પરિવારને આ બાબતની જાણ થતાં યુવતીએ સંબંધ આગળ ન રાખવાનો નિર્ણય કર્યો હતો. તેમ છતાં આરોપી વિજયભાઈ યુવતીને પ્રેમસંબંધ રાખવા દબાણ કરતો અને ગામમાં કે અન્ય સ્થળે યુવતી જાય ત્યારે પાછળ પાછળ પીછો કરતો હતો. આ સિવાય અગાઉ લીધેલા યુવતી સાથેના ફોટા તેના વોટ્સએપ સ્ટેટસ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર મૂકીને યુવતીને બદનામ કરવાનો પ્રયાસ કરતો હતો. જેથી આખરે આ માનસિક ત્રાસથી કંટાળી ભોગ બનનાર યુવતીએ આરોપી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









