વડાપ્રધાનનું હાસ્યાસ્પદ ચિત્ર પોસ્ટ કરી રાષ્ટ્રીય એકતાને ક્ષતિ પહોચાડવાનો પ્રયાસ.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં “Jumabhai Sumara” નામના શખ્સે તેના ફેસબુક અકાઉન્ટ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું હાસ્યાસ્પદ ચિત્ર પોસ્ટ કરીને સામાજિક શાંતિ અને રાષ્ટ્રીય એકતા માટે ખતરો ઉભો કરવા પ્રયાસ કરનાર વિરુદ્ધ બીએનએસ કલમ ૩૫૩(૨), ૧૯૭(૧) (ડી) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર એસ.એચ. ભટ્ટે તારીખ ૧૩/૦૫ ના રોજ ફરિયાદ નોંધાવી હતી કે “Jumabhai Sumara” નામના વ્યક્તિએ તેના ફેસબુક આઇડી પરથી એવા પ્રકારનું વિવાદાસ્પદ હાસ્યાસ્પદ ચિત્ર શેર કર્યું છે જેમાં દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચિત્રનો અપમાનજનક રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે. આ શખ્સે ભારતમાં પાકિસ્તાન સાથે તણાવભર્યા સંજોગોમાં આવું કૃત્ય કરી ભારતના સૈનિકોના મનોબળને તોડવાનો, નાગરિકોમાં ભય અને ગભરાટ ફેલાવવાનો તથા રાષ્ટ્રીય સુરક્ષાને ખોટ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. આ પ્રકારનું સામગ્રી ઇલેક્ટ્રોનિક રૂપે ફેસબુક જેવા પ્લેટફોર્મ પર જાહેરપણે શેયર કરવું ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતા સામે ચોક્કસ હાનિકારક ગણાય છે. આ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા ફરિયાદ નોંધી આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ગુનો દાખલ કરાયો છે.