હળવદ તાલુકાના નવા સુંદરગઢ ગામે રહેતા યુવકે મોરબીની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હોય, જે બાબતનો ખાર રાખી યુવતીના મોરબી સ્થિત કાકા સહિતના ચાર શખ્સોએ સુંદરગઢ ગામે યુવકના ઘરે જઈ તેના મોટાભાઈને ગાળો આપી લાકડાના ધોકા વડે માર મારી, ટાવેરા કારમાં જબરજસ્તી અપહરણ કરી મોરબી લઈ આવી ફરી ઢોર માર મારવામાં આવ્યો હતો, ત્યારે ભોગ બંબાર યુવકે હૃદરડી કરતા ચારેય ઈસમો કાર લઈને નાસી ગયા હતા.
મળતી માહિતી અનુસાર, માંડણભાઈ બેચરભાઈ ખાંભડીયા રહે. નવા સુંદરગઢ તા. હળવદ વાળાએ હળવદ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેમના નાના ભાઈ વિષ્ણુભાઈએ મોરબીની સપના મોરવડીયા સાથે લગ્ન કર્યા હતા, જે બાબતે ગઈકાલ તા.૧૫ મેના રોજ બપોરે તેમનાં ઘરે તેઓની માતા, ભાભીઓ સાથે હાજર હતા ત્યારે ઘરની બહાર ટવેરા ગાડીમાંથી તેમના નામે કોઈ બુમો પાડતા તેઓ ઘર બહાર નિકળ્યા હતા. ત્યાં સપનાના કાકા રાકેશભાઈ મોરવડીયા, શૈલેષભાઈ માલાસણા, સંદીપભાઈ તથા નિલેશભાઈ અગેચાણીયા રહે. તમામ મોરબી વીસીપરા વાળા ઉભા હતા. ત્યારે રાકેશે નાનાભાઈ વિષ્ણુ વિશે પૂછતા માંડણભાઈએ કહ્યું કે, તે ક્યાં છે મને નથી ખબર જેથી એકદમ ઉશ્કેરાઈ ચારેય આરોપીઓએ માંડણભાઈને ગાળો આપી લાકડાના ધોકા વડે માર મારવાનું ચાલુ કર્યું હતું. બાદમાં ચારેય આરોપીઓએ માંડણભાઈને બળજબરીપૂર્વક ટવેરા ગાડી રજી.નં. જીજે-૦૩-ઈસી-૪૬૬૯ માં બેસાડી મોરબી લઈ ગયા અને વીશીપરા વિસ્તારમાં એક જગ્યાએ લઈ જઈ ગાડીમાંથી ઉતારીને ફરીવાર લાકડાના ધોકાના ઘા માર્યા હતા. ત્યારે માંડણભાઈ દ્વારા રાડા રાડી કરતા તેમને ધમકી આપી ચારેય આરોપીઓ ટવેરા લઈને નાસી ગયા હતા. જે બાદ માંડણભાઈ મોરબી સરકારી હોસ્પીટલમાં સારવાર માટે આવ્યા હતા, જ્યાં તેમને કપાળ પર ટાંકા અને શરીરે ઇજાઓની પ્રાથમિક સારવાર લીધા બાદમાં હળવદ પોલીસ સ્ટેશનમાં ચારેય શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે