ઉછીના પૈસા પરત ન આપતા, બે મિત્રોએ ભેગા મળી યુવકનું કાસળ કાઢ્યું.
મોરબી: નાની વાવડી ગામે તળાવની પાળ નજીક ૩૭ વર્ષીય યુવકની હત્યા કરેલ હાલતમાં મળી આવેલ લાશ મામલે મૃતકના પિતાએ ગામના જ બે મિત્રોએ ઉછીના રૂપિયા પરત ન આપતા તેમના દિકરાની હત્યા કર્યાના આક્ષેપ સાથે, તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે બન્ને હત્યારાઓ વિરુદ્ધ બીએનએસ કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબીના નાની વાવડી ગામે ગઈકાલ તા.૨૨/૦૪ના રોજ તળાવની પાળ પાસે વાવડી ગામે રહેતા દીપકભાઈ ભાણજીભાઈ મકવાણા ઉવ.૩૭ ની હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો, જે બનાવ બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો, જ્યાંથી ફોરેન્સિક પીએમ અર્થે મૃતદેહને રાજકોટ મોકલવામાં આવ્યો હતો, ત્યારે ફોરેન્સિક પીએમના અહેવાલમાં મૃતક દીપકભાઈને માથામાં બોથડ પદાર્થ મારી તેની હત્યા થઈ હોવાનું સ્પષ્ટ કરવામાં આવ્યું હતું.
ત્યારે હત્યાના બનાવ અંગે મૃતકના પિતા ભાણજીભાઈ મોતીભાઈ મકવાણા ઉવ.૭૫ એ તાલુકા પોલીસ મથકમાં આરોપી હેમંતભાઈ પ્રેમજીભાઈ સોલંકી તથા આરોપી ગૌતમભાઈ હીરાભાઈ ઉભડીયા બન્ને રહે. નાની વાવડી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદમાં જણાવ્યા અનુસાર, હાલ ભાણજીભાઈ નિવૃત્ત જીવન જીવી રહ્યા છે અને તેમના પત્નીનું સાત વર્ષ અગાઉ અવસાન થયું હતું. તેમના દીકરા મૃતક દિપકભાઈ કડીયાકામ કરતા હતા અને પરિવારના ગુજરાન માટે એકમાત્ર આધાર હતા. હાલમાં તેમના નાના દીકરા વસંતભાઈ પણ માનસિક અને શારીરિક રીતે અશક્ત હોવાથી સારવાર હેઠળ છે.
ગઈ તા.૨૧ એપ્રિલના રોજ દિપકભાઈ સવારે તેમના રોજિંદા કામે ગયેલા અને ભાણજીભાઈ તેમના દીકરા વસંતભાઈ સાથે સરકારી હોસ્પીટલમાં સારવાર માટે ગયા હતા. ત્યારે રાત્રીના મૃતક દિપકભાઈના મોબાઇલ પરથી હેમંત સોલંકી દ્વારા ફોન કરી કહ્યું હતું કે મારે અને મારા મિત્ર ગૌતમને તમારા દીકરા દીપક પાસે ઉછીના આપેલ રૂપિયા લેવાના છે, અત્યારે તમારો દીકરો અમારી પાસે છે, જો તે પૈસા પાછા નહિ આપે તો તમારા દીકરાની હત્યા કરી નાંખશું તેવી ધમકી આપી હતી. જે બાદ, ૨૨ એપ્રિલે સવારે દિપકભાઈની હત્યા કરાયેલ લાશ ગામના તળાવની પાળ નીચે મળી આવી હતી. હાલ મોરબી તાલુકા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ હત્યાની કલમો હેઠળ ગુનો નોંધી, આરોપીઓની અટકાયત કરવા સહિતની આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.