દુકાનદારે સીગરેટના પૈસા માંગ્યા અંગેનો ખાર રાખી માથાભારે ઇસમે આતંક મચાવ્યો
હળવદના સુંદરીભવાની ગામમાં દુકાન ધરાવતા દુકાનદારે ગામના માથાભારે શખ્સ પાસે સીગરેટના પૈસા માંગતા જે અંગે ખાર રાખી દુકાનદારના પિતા અને તેના ભાઈને છરીના એક-એક ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી તેમજ દુકાનદારને બેફામ ઢીકા પાટુનો મૂંઢ માર મારી માથાભારે ઈસમ નાસી ગયો હતો, હાલ ઇજાગ્રસ્ત દુકાનદારના પિતાની ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરી આરોપી માથાભારે ઇસમની અટક કરવા તજવીજ શરૂ કરી છે.
મળતી માહિતી અનુસાર હળવદના સુંદરીભવાની ગામે રહેતા નટવરલાલ ધનજીભાઇ ઠકકર ઉવ-૭૨ એ હળવદ પોલીસ મથકમાં આરોપી પ્રતાપભાઇ જીલુભાઇ સોલંકી રહે.સુંદરીભવાની ગામવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઈ તા.૨૨/૦૧ના રોજ રાત્રીના દસેક વાગ્યાના અરસામાં આરોપી પ્રતાપભાઈએ ફરીયાદીના દિકરા દીનેશભાઇની દુકાનેથી સીગરેટ લઇ પૈસા આપેલ ન હોય સિગરેટના પૈસા ફરીયાદીના દિકરા દીનેશભાઇએ આરોપી પાસેથી માંગેલ જે બાબતનો ખાર રાખીને આરોપીએ ફરીયાદી નટવરલાલને જમણા ખભાની બાજુના ભાગે છરીનો ઘા મારીને ચીરો પાડી દઇ અંદરના ભાગની નશ તોડી નાખી ગંભીર ઇજા પહોંચાડી તથા આ કામે સાહેદ સુરેશભાઇ નટવરલાલ ઠકકરને જમણા હાથે કોણીથી ઉપરના ભાગે છરીનો ઘા મારી ચીરો પાડી દઇ અંદરના સ્નાયુ તોડી નાખી ઇજા પહોંચાડી તથા આ દીનેશભાઇ નટવરલાલ ઠકકરને ઢીંકાપાટુનો મુંઢમાર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપી પ્રતાપભાઈ નાસી ગયો હોય હાલ હળવદ પોલીસે આરોપી ઇસમને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.