નુકસાની બાબતે વિરોધ કરતા ખેડૂતને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી
વાંકાનેર તાલુકાના તીથવા ગામમાં ખેડૂતની વાડીમાં ગાયો ઘુસાડી અને જાર અને અજમાના પાકમાં ચરાવી રૂ. ૯૫,૦૦૦/- જેટલું નુકશાન પહોંચાડયું હોય જે બાબતે ખેડૂત દ્વારા વિરોધ કરતા આરોપીએ ભોગ બનનાર ખેડૂતને ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગેની ફરિયાદ નોંધાવતા વાંકાનેર તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ ગુજરાત પંચાયત અધિનિયમ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી અટકાયત કરવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વાંકાનેર તાલુકાના તીથવા ગામે મદ્રાસા પ્લોટમાં રહેતા અહેમદરજાભાઇ હુશેનભાઇ શેરસીયાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આરોપી રતાભાઇ શંકરભાઇ ભરવાડ રહે.તીથવા તા.વાંકાનેર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે ગઈ તા.૨૯/૧૦ના રોજ તીથવા ગામની સોનીયા સીમમાં આવેલ તેમના વાડામાં આરોપી રતાભાઇ શંકરભાઇ ભરવાડે આશરે ૫૧ ગાયો અને ૩ પાડીને ઘુસાડી અને વાવેતર કરેલ જારના પાકમાં ચરાવી દીધું હતું. આ કારણે ફરીયાદીના પાકને આશરે રૂ. ૯૫,૦૦૦/-નું નુકશાન થયું હતું.
આ બાબતે ફરીયાદી અને સાહેદે વિરોધ કરતા આરોપીએ ગાળો બોલી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, ત્યારે સમગ્ર ઘટના બાબતે ભોગ બનનાર ખેડૂતની ફરિયાદને આધારે પોલીસે આરોપી સામે બી.એન.એસ. કલમ ૨૮૧, ૩૨૪(૪), ૩૨૯(૩), ૩૫૨, ૩૫૧(૨) અને ગુજરાત પંચાયત અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.