માળીયા(મી)ના મોટા દહીંસરા નજીક જીઈબી પાવરહાઉસ સામે કારમાં બેઠા હોય તે સમયે અજાણ્યા શખ્સે કર્યો હુમલો.
મોરબીમાં બે દિવસ પહેલાં એક બાંધકામના વેપારી પર અજાણ્યા શખ્સે જીવલેણ હુમલો કર્યો હતો. વેપારી માળીયા(મી) તાલુકાના મોટા દહીંસરાથી આગળ નવલખી રોડ ઉપર જીઈબી પાવરહાઉસ નજીક પોતાની કારમાં બેઠેલા ત્યારે અજાણ્યા લાલ શર્ટ પહેરેલા શખ્સે ગાળાગાળી બાદ તુરંત જ પોતાની પાસે રહેલ તમંચા જેવા હથિયારથી વેપારી ઉપર ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરી હુમલો કર્યો હતો. જે બાદ સારવાર માટે રાજકોટ ખસેડાયેલા વેપારીએ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
મોરબી શહેરમાં અવની ચોકડી પાસે પ્રમુખ એપાર્ટમેન્ટમાં રહેતા મૂળ હજનાળી ગામ તા.જી.મોરબીના વતની તરુણભાઈ ઉર્ફે ગોપાલભાઈ હંસરાજભાઈ ગામી ઉવ.૪૬ કે જેઓ બાંધકામના ધંધા સાથે સંકળાયેલ છે, ત્યારે ગઈ તારીખ ૨૦ મે ના રોજ રાત્રીના તરુણભાઈ ઉપર જીવલેણ હુમલો થયો હતો. વેપારી મોરબીથી મોટાદહિંસરા ગામે તેમના સંબંધીની પેપર મીલે મળવા તેના કુટુંબી ભાઈની આઈ-૨૦ કાર રજી. નં. જીજે-૩૬-આર-૫૩૫૦ લઈને ગયા હોય જે બાદ નવલખી રોડ પર ચક્કર મારવા નીકળ્યા હતા. ત્યારે રાત્રે લગભગ નવ સવા નવ વાગ્યે તેઓ મોટા દહીંસરા નજીક જીઈબી પાવર હાઉસ પાસે કારમાં બેઠા હતા ત્યારે લાલ શર્ટ પહેરેલો આશરે ત્રીસ વર્ષની ઉમરનો અજાણ્યો શખ્સ તેમની કારની નજીક આવ્યો હતો, આ શખ્સે કારનો કાચ ખોલવા કહી તુરંત ગાળાગાળી શરૂ કરી હતી. જેથી તરુણભાઈએ ગાળો આપવાની ના પાડતા તુરંત આ અજાણ્યા શખ્સે પોતાની પાસે રહેલા તમંચા જેવી હથિયારથી ત્રણ ગોળીઓ ફાયર કરી હતી. જેમાં તરુણભાઈને એક ગોળી ડોકના પાછળના ભાગે, બીજી માથાના ભાગે અને ત્રીજી ગાલ પર વાગી હતી. ગંભીર ઇજા પામેલા તરુણભાઈએ તુરંત જ કાર ત્યાંથી હંકારી ખાખરાળા ગામ સુધી પહોંચ્યા હતા જ્યાં તેમની કાર બંધ પડી ગઈ હતી.
આ પહેલા તરુણભાઈએ ચાલુ કારે ફોન દ્વારા તેના મિત્ર અને ભાઈઓને ઘટના અંગે જાણ કરી હતી, જેથી થોડી જ વારમાં પરિવારજનો અને મિત્રો ઘટનાસ્થળે પહોંચ્યા અને તેમને પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં લવાયા બાદ વધુ સારવાર માટે રાજકોટ સ્ટર્લિંગ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તેમના ઓપરેશનમાં બે ગોળીઓ બહાર કાઢવામાં આવી હતી અને ત્રીજી ગોળી હજી ડોકના હાડકાં પાસે ફસાઈ હોવાની માહિતી મળી છે. હાલ સમગ્ર બનાવ મામલે તરુણભાઈ ગામીની ફરિયાદને આધારે માળીયા(મી) પોલીસે અજાણ્યા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.