મોરબી શનાળા રોડ ઉપર સ્કાય મોલની બાજુમાં આવેલ ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ નામની જમીન લે-વેચની ઓફિસ બહાર લગાડેલું બોર્ડ તેમજ સીસીટીવી કેમેરાને લાકડાના ધોકા વડે તોડતા ત્રણ શખ્સો સામે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય શખ્સો સામે ગુન્હો નોંધી અટક કરવા તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર મોરબીના શનાળા રોડ ઉપર આવેલ યદુનંદન ૧ માં રહેતા જીવણભાઇ ખીમાભાઇ કુંભારવાડીયા ઉવ.૫૭ એ આરોપી જયેશ રબારી રહે રબારીવાસ મોરબી, રાજ રાજુ સિક્યુરીટી રહે.સ્કાય મોલ, વાલ્વા ધર્મેશ રહે.સ્કાય મોલ મોરબી વિરુદ્ધ મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે શનાળા રોડ ઉપર સ્કાય મોલની બાજુમાં ફરિયાદી જીવણભાઈના દીકરાની ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ નામની જમીન લે-વેચની ઓફિસ આવેલી છે જેમાં ગત તા. ૨૧/૦૧ના રોજ મોડીરાત્રે ઉપરોક્ત ત્રણેય આરોપીઓએ ઓફિસના સીસીટીવી કેમેરાને લાકડાના ધોકા વડે તોડી તેમજ ઓફિસ બહાર લગાડેલ બોર્ડ તેમજ ખુરશીઓ તોડી અંદાજે રૂ.૨૦,૦૦૦/-નું નુકસાન કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.