હળવદ તાલુકાના કેદારીયા ગામ નજીક ધનાળા ગામના પાટીયા પાસે ઉધારના પૈસા પાછા લેવાની માથાકૂટમાં જય વડવાળા ટી સ્ટોલના ગલ્લા ઉપર બેઠેલ વ્યક્તિ સાથે બોલાચાલી બાદ ઝઘડો થતા હળવદમાં સેનટિંગનું કામ કરતા યુવક સહિત ત્રણ શખ્સો રીક્ષામાં જતા હોય ત્યારે એકટીવા મોપેડ અને સ્વીફ્ટ કારથી પીછો કરી આવેલા કુલ છ લોકોએ ત્રણ યુવકને ગાળો આપી જાતિ પ્રત્યે અપમાનિત કરી ઢીકાપાટુનો અને લોખંડના પાઇપથી આડેધડ માર મારવામાં આવતા સમગ્ર બનાવ બાબતે ભોગ બનનાર યુવક દ્વારા કુલ સાત આરોપીઓ સામે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.
મળતી માહિતી મુજબ હળવદના બસ સ્ટેન્ડ પાછળ સરપંચવાળી શેરીમાં રહેતા નીતીનભાઇ વિનોદભાઇ પરમાર ઉવ-૨૬ એ હળવદ પોલીસ મથકમાં આરોપી તરીકે જય વડવાળા ટી સ્ટોલના કાઉન્ટર ઉપર બેઠેલ માણસ, એક્ટીવા નં.જીજે-૩૬-ક્યુ-૧૦૫૪નો ચાલક તથા એક્ટીવાની પાછળ બેસેલ અજાણ્યો માણસ, સ્વીફટ કારના સવાર ચાલક સહિત ચાર અજાણ્યા માણસ સહિત કુલ સાત આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી કે ગત તા. ૧૭/૦૮ના રોજ આરોપી જય વડવાળા ટી સ્ટોલના ગલ્લા ઉપર બેઠેલા વ્યક્તિ સાથે ઉધાર પૈસા પાછા લેવા બાબતે ફરિયાદી નીતિનભાઈ તથા જયેશભાઇ સાથે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ નીતિનભાઈ અને જયેશભાઇ તથા સુમિતભાઈ ત્યાંથી રીક્ષામાં બેસીને જતા રહ્યા હતા. ત્યારે એકટીવા રજી.નં. જીજે-૩૬-ક્યુ-૧૦૫૪માં સવાર બે અજાણ્યા આવેલ આરોપીએ રિક્ષાનો પીછો કરી ધનાળા ગામના પાટીયા પાસે રીક્ષા ઉભી રખાવી નીતિનભાઈ અને જયેશભાઈ અનુસુચિત જાતીના હોવાનુ જાણતા હોવા છતા જાતિ પ્રત્યે જાહેરમાં અપમાનિત કરી ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો તે દરમિયાન સ્વીફ્ટ કારમાં અન્ય ચાર અજાણ્યા શખ્સો આવી નીતિનભાઈ અને જયેશભાઈને લાકડી, લોંખડના પાઇપ તથા હાથમા પહેરેલ કડા વડે માર માર્યો હતો. ત્યારે જયેશભાઇને માથામાં તેમજ સુમીતભાઇને પગના ભાગે અને નીતિનભાઈને શરીરે મુંઢ ઇજા પહોંચાડયાની ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.