છેલ્લા બે વર્ષથી સમગ્ર કૌભાંડ આચરતા હોવાની કર્મચારીઓ દ્વારા કબૂલાત
મોરબીના રામચોક નજીક આવેલ સોનાના દાગીનાનો તનિષ્ક શોરૂમમાં કામ કરતા તમામ કર્મચારીઓએ એકબીજા સાથે મળી રૂપિયા ૧ કરોડ ૫૬ લાખ ૧૪ હજારની ઉચાપત કરી શોરૂમના માલીક સાથે વિશ્વાસઘાત કર્યો હતો. જેમાં હાલ પાંચ કર્મચારીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ સમગ્ર કૌભાંડમાં હજુ કેટલા સંડોવાયેલા છે તે આગળની પોલીસ તપાસમાં બહાર આવશે. આ સમગ્ર કૌભાંડ છેલ્લા બે વર્ષથી શોરૂમના કર્મચારીઓ દ્વારા ચલાવાતું હોવાનું બહાર આવ્યું છે. જેમાં બે કર્મચારીઓ દ્વારા મુથુટ બેંકમાં કુલ ૩૭ દાગીના ગીરવે મૂકી કુલ રૂ.૪૨ લાખની લોન લીધી હતી. બીજીબાજુ સમયાંતરે થર્ડ પાર્ટી ઓડિટ કરાવતા હોય ત્યારે ઓડિટર દ્વારા સ્ટોકમેળ છે તેવો રિપોર્ટ આપતા હોય ત્યારે આ કૌભાંડમાં તેઓ પણ સંડોવાયેલ હોવાની શોરૂમના ભાગીદારો દ્વારા આશંકા વ્યક્ત કરી છે. હાલ પોલીસે તનિષ્ક શોરૂમના પાંચ કર્મચારીઓ તથા તપાસમાં ખુલે તે તમામ સામે આઇપીસી કલમ ૪૦૮, ૪૬૫, ૪૬૭, ૪૭૧, ૧૨૦(બી) મુજબ ગુનો નોંધી અલગ અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
સમગ્ર કૌભાંડની પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીના રવાપર લીલાપર રોડ ઉપર પ્લેટીનિયમ હાઈટ્સ બ્લોક નં.૩૦૨માં રહેતા વિમલભાઇ બાવનજીભાઇ ભાલોડીયા ઉવ.૫૪ એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી (૧)હરીભાઇ જયંતીલાલ ભટી રહે.મોરબી પંચાસર રોડ શીવ સોસાયટી
(૨)ધવલ અલ્પેશભાઇ પટણી રહે.મોરબી ગ્રીનચોક પાસે (૩)આશીષ ગુણવંતભાઇ માંડલીયા રહે.મોરબી (૪)ઇરફાન સાદીકભાઇ વડગામા રહે.મોરબી વાવડી રોડ રામપાર્ક-૧ (૫)ભાવના પ્રેમજીભાઇ સોલંકી રહે.મોરબી સામાકાંઠે માળીયા વનાળીયા સોસાયટી તથા તપાસમા ખુલ્લે તે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે મોરબી રામચોક નજીક આવેલ તનિષ્ક સોનાના દાગીનાના શોરૂમમાં ઉપરોક્ત પાંચેય આરોપીઓ તથા અન્ય જે તપાસમાં ખુલ્લે તે તમામ આરોપીઓએ શોરૂમના કુલ ૧૦૪ નંગ સોનાના દાગીના ગાયબ કરી શોરૂમના ભાગીદારો સાથે વિશ્વાસઘાત કર્યો હોય. જેમાં ઉપરોક્ત પાંચેય આરોપીઓ શોરૂમમાં કર્મચારી તરીકે નોકરી કરતા હોય અને ઘરેણા વેચવાની જવાબદારી સંભાળતા હોય ત્યારે શોરૂમમાં સ્ટોર મેનેજર તરીકે કામ કરતા આરોપી હરિભાઈ જયંતીલાલ ભટી તેમજ રિટેલ સેલ્સ ઓફિસર તરીકે કામ કરતા આરોપી ઇરફાન સાદીકભાઇ વડગામાએ શો રૂમમાંથી ગેરકાયદેસર દાગીના કુલ ૩૭ ગાયબ કરી તેને મુથૂટ ફાઇનાન્સ બેંકમાં ગીરવે મૂકી તેના ઉપર ઉપરોક્ત આરોપી હરિભાઈએ ૨૯ લાખ અને ઈરફાન વડગામાએ ૧૩ લાખની લોન લીધી હતી. ત્યારે શોરૂમમા કામ કરતા કર્મચારી આરોપીઓએ કુલ સોનાના દાગીના નંગ-૭૩ તથા શોરૂમમાંથી દાગીનાની ખરીદી કરેલ દિપકભાઇ પરમારનુ દાગીનાની ખોટી રીસીપ બનાવી આપી જે દાગીના દીપકભાઈએ ખરીદ કર્યા હતા તે થોડા દિવસો માટે ઓડિટ આવવાનું છે તેમ કહી પરત લઇ આજદિન સુધી દીપકભાઈએ ખરીદ કરેલા દાગીના નહી આપી કુલ કિ.રૂ.૧,૫૬,૧૪૦૦૦/- જેટલી રકમની ઉચાપત કરી શોરૂમના માલીકો સાથે વિશ્વાસઘાત કરી પોતાના અંગત ફાયદા સારૂ સોનાના દાગીનાની અથવા રોકડા રૂપીયાની વહેંચણી કરી ગુનાહિત કાવત્રુ રચી ઉચાપત કરી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.
સમગ્ર કૌભાંડ કેવી રીતે બહાર આવ્યું:
ઉપરોક્ત તનિષ્કનાં શોરૂમમાં બે મેનેજરની પોસ્ટ હોય તેમાં એક મેનેજરની પોસ્ટ ખાલી હોય ત્યારે ગત તા.૦૨/૦૪ ના રોજ મેનેજર તરીકે રાજકોટના પરિમલભાઈએ ચાર્જ સાંભળ્યો હતો. ત્યારે પરિમલભાઈએ આવતાની સાથે જ પોતાને શોરૂમમાં રહેલા સોનાના દાગીનાનો ફિઝિકલ સ્ટોક મેળ કરવો છે તેમ શોરૂમના માલીકોને જણાવતા ભાગીદારો દ્વારા જામનગરની એક ટીમ આવી શોરૂમમાં રહેલા દાગીનાનો સ્ટોક સિસ્ટમમાં નોંધાયેલ સ્ટોક સાથે સરખાવતાં તેમાં કુલ ૧૦૪ દાગીના ગાયબ હોવાનું સામે આવતા સમગ્ર કૌભાંડ ઉપરથી પડદો ઉંચકાયો હતો.