મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઇન્દિરાનગર ખોડીયાર સોસાયટીમાં રહેતો પરિવાર પોતાના ગામડે માતાજીના માંડવામાં ઘરને તાળું મારીને ગયા હોય ત્યારે બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ઘરના મુખ્ય દરવાજાના નકૂચા તોડી ઘરમાં રહેલ સોના ચાંદીના દાગીના તથા રોકડ મળી કુલ ૧.૨૧ લાખની માલમત્તા ઉસેડી લઇ ગયા હોવાની મકાન માલિક દ્વારા ફરિયાદ અત્રેના બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવતા હાલ પોલીસે અજાણ્યા ચોર ઈસમો સામે ગુનો નોંધી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર મોરબી -૨ ઈન્દિરાનગર ખોડીયાર સોસાયટીમાં રહેતા સુખદેવભાઇ કરશનભાઇ સુરેલા ઉવ.૨૭ એ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ગત તા.૨૮/૦૫ના રોજ સુખદેવભાઈ પરિવાર સાથે પોતાના ખાખરેચી ગામ માતાજીના માંડવાના પ્રસંગમાં ઘરને તાળું મારી ગયા હતા. ત્યારે બંધ મકાનના મુખ્ય દરવાજાના તાળા તોડી અજાણ્યા તસ્કરો દ્વારા ઘરમાં પ્રવેશ કરી ઘરમાં રાખેલ સોના ચાંદીના ઘરેણાં કિ.રૂ.૧.૦૧ લાખ તેમજ ૨૦ હજાર રોકડા મળી કુલ ૧.૨૧ લાખની માલમત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. ત્યારે હાલ ભોગ બનનાર સુખદેવભાઈ દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં ચોરી થયા અંગે ફરિયાદ નોંધાવતા આરોપી અજાણ્યા ચોર ઈસમોને ઝડપી લેવા પોલીસ દ્વારા તપાસની કવાયત શરૂ કરી છે.