ટંકારાનાં ઓટાળા ગામનાં સરપંચને પટેલ સમાજના યુવક દ્વારા જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. તેમજ તેમની સમાજની મિટિંગમાં લોકોને સરપંચ પ્રત્યે ઉશ્કેરવા સ્પીચ આપતા સમગ્ર મામલે ઈસમ વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ નોંધવા ગામના સરપંચ દ્વારા ટંકારા પોલીસ સ્ટેશનના પીએસઆઈને રજૂઆત કરવામાં આવી છે અને પોલીસે પણ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
ટંકારાનાં ઓટાળા ગામનાં સરપંચ સુરેશભાઈ પરમાર દ્વારા ટંકારા પોલીસ સ્ટેશનના PSIને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તેમના ગામના વતની અલ્પેશ ઘોડાસરા દ્વારા ગત તા.31/07/2024 ના રોજ બપોરના સમયે પાધેડા વિસ્તારમાંથી પસાર થતી વખતે સરપંચની ગાડીને રોકી પોતાની એક કેસમાં મદદ કરવા કહેતા સરપંચે તેમને મદદ કરવાની ના પાડી સરપંચ કોઈ એક પક્ષનો ન હોય શકે તેવું કહેતા અલ્પેશ ઉશ્કેરાઈ ગયો હતો. અને કહ્યું હતું કે, રોહિત બીજા ગામનો છે અને હું તમારા ગામનો છું છતાં તમે અમને મદદ કરતા નથી. તેમ કહી અલ્પેશે સરપંચને તમારા જેવી હલકી જાતિના સરપંચ હોય તો બહારના માણસો હુમલો કરી જ જવાના. તેમારા જેવાને સરપંચ બનાવવા જ ન જોઈએ તેમ કહી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી તેણે સરપંચને ધમકાવતા કહ્યું હતું કે, જયારે અમારો વારો આવશે ત્યારે તમને ગામમાં રહેવા જ નથી દેવા અને તમારા ટાંટિયા જ ભાંગી નાખવા છે. તેમ કહી જાનથી મારી નાખવાની અલ્પેશે સરપંચને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આટલું જ નહિ આ ઘટના પહેલા પણ અલ્પેશ દ્વારા સરપંચ વિરુધ્ધ અનેક વખત અપશબ્દો ભાંડવામાં આવ્યા હોવાનું સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું હતું. જેમાં ગામમાં પાટીદાર યુવક યુવતીએ લવ મેરેજ કરી લેતા આ બાબતે ગત તા.29/07/2024ના રોજ પાટીદાર સમાજની વાડીએ એક મીટીંગનું આયોજન કરાયું હતું. જેમાં અલ્પેશે કહ્યું હતું કે, આપડે બહુમતીમાં હોય તો આવા (જાતી પ્રત્યે હડધૂત કરતા શબ્દનું ઉચ્ચારણ) સરપંચ ચાલે જ નહિ. જેમાં તેનો સાથ પુરાવતા ત્યાં રહેલ અન્ય શખ્સે કહ્યું હતું કે, આની સામે ગમે ત્યાં લડવાનું થાય પોલીસ સ્ટેશન આપડા બાપનું જ છે. આ સુરેશને પૂરો કરી દો એની માટે થાય એટલા પૈસા હું આપીશ. તેમજ આ દીકરા-દીકરીના કેસમાં ગામના ઘણા લોકો ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાને મળવા ગયા હતા, જ્યાં પણ અલ્પેશે સરપંચ વિરુધ્ધ ખોટા કેસમાં ફિટ કરાવી દેવાની વાત કરી હતી. ત્યારે અલ્પેશે સરપંચનું નામ ખોટા કેસમાં જાહેર કરી, તેમની સામાજિક અને રાજકીય કારકિર્દીને નુકશાન પહોંચાડવાનો પ્રયાસ કરી તેને ખતમ કરવાનો ષડયંત્ર ઘડાતા સરપંચ સુરેશભાઈ પરમાર દ્વારા ટંકારા પોલીસ સ્ટેશનના PSIને પત્ર લખી અલ્પેશ વિરુધ્ધ એટ્રોસિટીના ગુન્હા તળે ફરિયાદ નોંધવા માંગ કરી હતી જેને લઇને પોલીસે આ મામલે ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરી છે