હળવદના ચરાડવા ગામે ખેત શ્રમિકને ઉપાડ પેટે આપેલ રૂપિયા, ખેત-શ્રમિકના માલીકને ફોન કરી રૂપિયાની માંગણી કરતા, માલીક દ્વારા ફોનમાં જેમ ફાવે તેમ ગાળો આપી, ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપવામાં આવી હતી, ત્યારે ભોગ બનનાર દ્વારા હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, હળવદ તાલુકાના ચરાડવા ગામે સુરેશભાઈ બાબુભાઇ સોલંકી અને રાજુભાઇ રાજપૂત એમ બંનેના ખેતરમાં ખેત શ્રમિક તરીકે કામ કરતા ઇસમને, સુરેશભાઈએ આજથી દોઢ વર્ષ પહેલાં મજૂરી કામના રૂપિયા ઉપરાંત ૧,૭૦૦/-રૂપિયા ઉપાડ પેટે આપ્યા હતા, જે બાદ આ રૂપિયા બાબતે, ખેત-મજૂર પાસે વારંવાર પરત માંગતા, તેના દ્વારા કહેવામાં આવતું કે ખેતરના માલીક રાજુભાઇ મજૂરીના હિસાબના રૂપિયા આપે એટલે તમને પરત રૂપિયા આપી દઈશ, ત્યારે સુરેશભાઈ દ્વારા રાજુભાઈને ફોન કરી આ બાબતે જાણ કરતા, રાજુભાઇ એકદમ ઉશ્કેરાઈ ગયા અને સુરેશભાઈને જેમફવે તેમ અપશબ્દો બોલી, જાતિ પ્રત્યે પણ અપમાનજનક બોલી, ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી હતી, જેથી હાલ સુરેશભાઈએ, આરોપી રાજુભાઇ જીલાભાઈ રાજપૂત વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.