માળીયા(મી) તાલુકાના વવાણીયા ગામે મોરબીમાં રહેતા પ્રૌઢ મહિલાને કુટુંબી ભત્રીજાઓ દ્વારા ઢીકાપાટુનો માર મારી નીચે પછાડી દેતા માથામાં ફૂટ જેવી ઇજા તથા શરીરે મૂંઢ ઇજાઓ થઈ હતી, ત્યારે ભોગ બનનાર પ્રૌઢ મહિલાએ માળીયા(મી) પોલીસ મથકમાં ચાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ માળીયા(મી) ના વવાણીયા ગામના વતની હાલ મોરબી વીસીપરા મદીના સોસાયટીમાં રહેતા અમીનાબેન દાઉદભાઇ ઉમરભાઈ બુચડ ઉવ.૫૦ એ માળીયા(મી) પોલીસ મથકમાં આરોપી જાકુબ નૂરમામદભાઈ ભટ્ટી, સલીમ નૂરમામદભાઈ ભટ્ટી, રફીક નૂરમામદભાઈ ભટ્ટી તથા સબ્બીર જુસબભાઈ ભટ્ટી બધા રહે.વવાણીયા તા.માળીયા(મી) વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ઉપરોક્ત આરોપીઓ અમીનાબેનના કુટુંબી ભત્રીજાઓ થતા હોય જેઓની સાથે અમીનાબેનને બોલાચાલીનો સંબંધ ન હોય ત્યારે ગત તા.૧૮/૦૩ના રોજ આરોપીઓના સબંધીમા મૈયત થતા તેની દફન વિધિમાં હાજરી આપવા સમાજની રૂએ અમીનાબેન વવાણીયા ગામે ગયા હતા જે ઉપરોક્ત આરોપીઓને સારૂ નહીં લાગતા, આરોપીઓએ ભેગા મળી અમીનાબેનને જેમ તેમ બોલાચાલી કરી ઝાપટ મારી ધક્કો મારતા અમીનાબેન નીચે પડતા માથાના ભાગે ઇજા થયેલ તેમજ ભુંડી ગાળો બોલી અમીનાબેનને ઢીકાપાટુનો મુંઢ માર મારી ગુન્હો કરવામા એક બીજાને મદદગારી કરી હતી, ત્યારે મૈયતમાં હાજર લોકોએ વધુ મારથી છોડાવતા અમીનાબેન ત્યાંથી નીકળી ગયા હતા, જે બાદ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લીધી હતી. જે મુજબની ફરિયાદને આધારે માળીયા(મી) પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.