૬ મહિલા સહિત ૧૧ સામે ગુનો- સામસામી ફરિયાદમાં કુલ ૧૭ આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી.
વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં ગત તા.૧૧ ઓક્ટોબરના રોજ ઘર પાસે ફટાકડા ફોડવા મુદ્દે થયેલી મારામારી બાદ ૬ મહિલા સહિત ૧૧ સામે વાંકાનેર સીટી પોલીસે ગુનો નોંધ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સામસામી ફરિયાદના આધારે પોલીસે કુલ ૧૭ આરોપીઓ વિરુદ્ધ બી.એન.એસ. અને જી.પી.એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે.
વાંકાનેર શહેરની ભાટીયા સોસાયટીમાં દિવાળીના તહેવારો દરમિયાન ફટાકડા ફોડવાની બાબતે પડોશી બે પક્ષો વચ્ચે થયેલી ઝપાઝપી ગંભીર મારામારીમાં ફેરવાઈ હતી. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદમાં ફરિયાદી નાઝીમ આબીદભાઇ કલાડીયા ઉવ.૧૯, રહે. ભાટીયા સોસાયટી ગેલેક્સી પાર્ક-૨ વાંકાનેર વાળાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, તા. ૧૧ ઓક્ટો. ૨૦૨૫ની રાત્રે સાડા સાત વાગ્યાના અરસામાં પોતે તથા મિત્રો સોસાયટીમાં ફટાકડા ફોડતા હતા. તે દરમ્યાન આરોપી ઈલિયાસભાઈ અકબરભાઈ પઠાણ તથા શેહજાદ ઈલિયાસભાઈ પઠાણ ત્યાં આવી ફટાકડા ફોડવાની ના પાડતા વાદવિવાદ થયો હતો. ફરીયાદીએ ફટાકડા ન ફોડવાનું કહ્યું છતાં આરોપીઓએ ગાળો આપી મારામારી શરૂ કરી હતી. ત્યારબાદ પછી આરોપી અજમીનાબેન, હલીમાબેન, અફજલભાઈ, મુમતાજબેન, મુસ્કાનબેન, હિનાબેન, સાનિયાબેન, આફતાબભાઈ તથા અસરફભાઈ સહિત અન્ય આરોપીઓ પણ સ્થળે આવી લાકડાના ધોકા અને લોખંડના પાઇપ વડે ફરીયાદી અને સાથીઓ પર હુમલો કર્યો હતો. હુમલામાં સાહેદ આર્યન મહેમુદભાઈ અને મુનાફભાઈ ઇકબાલભાઈને હાથમાં ફેક્ચર જેવી ઇજાઓ પહોંચતાં અન્ય સાથીઓને પણ મુંઢ ઈજા થઈ હતી. આરોપીઓએ હુમલા દરમિયાન જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ વાંકાનેર સીટી પોલીસે બીએનએસ કલમ તથા જી.પી.એક્ટ કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. આ બનાવમાં સામસામી ફરિયાદ નોંધાતા બંને પક્ષોના કુલ ૧૭ આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.









