માળીયા(મી) તાલુકાના મોટાભેલા ગામમાં રહેતા પરિવાર ઉપર હુમલો કરી જાતિ પ્રત્યે અપમાનિત કર્યાનો બનાવ સામે આવ્યો છે, જેમાં શેરીમાં ગાડી ધીમે ચલાવવા અંગે બોલાચાલીનો ખાર રાખી યુવકબને તેના પરિવાર ઉપર લાકડી, છુટ્ટા પથ્થરના ઘા કરી ઇજાઓ પહોંચાડી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરવામાં આવ્યા હતા. ત્યારે સમગ્ર બનાવ અંગે ભોગબનનાર પરિવારના મહિલા સભ્ય દ્વારા આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી વિગતો અનુસાર, માળીયા(મી)ના મોટા ભેલા ગામે રહેતા ભાનુબેન ઉવ.૫૮ માળીયા(મી) પોલીસ મથકમાં આરોપી ભાવેશભાઈ ખેંગારભાઈ ગોહેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે અગાઉ આરોપી પોતાની ગાડી સ્પીડમાં ચલાવીને શેરીમાંથી નીકળેલ ત્યારે પડોશમાં પ્રસંગ હોય તે પ્રેમજીભાઈ દ્વારા તેઓને ગાડી ધીમે ચલાવવાનું કહેતા આરોપી ભાવેશે તેની સાથે બોલાચાલી કરી હોય ત્યારે ફરિયાદીના પુત્ર જેન્તીએ પાડોશી પ્રેમજીભાઈને કહ્યું હતું કે અમારા ઘરે પ્રસંગ હોય અને આ રીતે ગાડી સ્પીડમાં લઈને નીકળે તો ઝઘડો થઈ હે જે વાતનો ખાર રાખી આરોપી ભાવેશ તા. ૨૧ મેના રોજ રાતે નવ વાગ્યાના અરસામાં ફરિયાદી ભાનુબેનના પતિ માવજીભાઈ ઘરની બહાર બેઠા હતા અને પરિવારજનો ઘર અંદર ભોજન લઈ રહ્યા હતા ત્યારે આરોપી ભાવેશ ગોહેલ ગાળો બોલતો, ધમકી આપી રહ્યો હતો. જેથી ઘર બહાર નીકળીને જોતા, આરોપી ભાવેશ ફરિયાદીના પતિ સાથે બોલાચાલી કરી ઝઘડો કરતો હોય ત્યારે પતિને બચાવવા જતા ભાનુબેન તથા તેમના દિકરા અશ્વિન અને જેન્તી ઉપર આરોપીએ છુટ્ટા પથ્થરના ઘા મારી અને લાકડીથી હુમલો કર્યો હતો. આ પથ્થરમારામાં ભાનુબેનના માથે અને તેમના દીકરા અશ્વિનના હાથની આંગળીમાં ઈજા થઈ હતી. ઘટના બાદ તાત્કાલિક સારવાર માટે માળીયા મીં. હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ આરોપી ફરી ઝઘડો કરવા ઘરની આસપાસ આવ્યો હોય જેથી માળીયા(મી) પોલીસ મથકમાં આરોપી ભાવેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા, પોલીસે આરોપી વિરુદ્ધ એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી, આરોપીની અટક કરવા તજવીજ હાથ ધરી છે.