મોરબીના લાતીપ્લોટ વિસ્તારમાં નામાંકિત કંપનીઓના ડુપ્લીકેટ એન્જીન ઓઇલ બનાવવાની મસમોટી ફેકટરી પોલીસે ઝડપી લીધા બાદ આરોપી બેલડી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
આ અંગે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર આરોપી મેહુલભાઇ નરેન્દ્રભાઇ ઠકકર અને અરૂણભાઇ ગણેશભાઇ કુંડારીયાએ મુમનગર ચોક, શિવમ પ્લાય અને હાર્ડવેરની બાજુમાં આવેલ દિનેશભાઇ દલવાડીના ડેલામાં પોતાની જગ્યાના ગોડાઉનમાં કેસ્ટ્રોલ કંપની સહિત અન્ય નામાંકિત કંપનીઓના ઓટો મોબાઇલ્સમાં વપરાતા એન્જીન ઓઇલના નામે હલકા પ્રકારની ગુણવતા વાળા ઓઇલમાં કેમીકલ, બેઇઝ ઓઇલ, ગુલાબનું પરફ્યુમ વિગેરે રો-મટીરીયલની ભેળસેળ કરી ડુપ્લીકેટ ઓઇલ બનાવતા હતા. જે અંગે મોરબી એલસીબીએ દરોડો પાડી ડુપ્લીકેટ ઓઇલ, રો-મટીરીયલ, તેમજ ઓઇલ બનાવવના સાધનો સહિત કુલ કી.રૂ. ૨૫,૫૦,૯૯૫ નો મુદામાલ બે શખ્સોને દબોચી લીધા હતા.
ભેળસેળ યુકત બનાવેલ ઓઇલના ડબાઓ ઉપર કેસ્ટોલ કંપની સહિતની ખ્યાતનામ કંપનીના ટ્રેડમાર્ક વાળા બોક્ષ લગાવી કંપનીઓની પ્રતિષ્ઠાને નુકશાન પહોચાડવાના ઇરાદે તથા અન્ય કંપનીઓ સાથે ઠગાઇ વિશ્ર્વાસઘાત કરવા અંગે સચીન તાનાજી દેસાઇ (ઉ.વ. ૪૨ રહે. ડોમ્બોસકોરોડ, નાઇગાવ ઇસ્ટ, પાલઘર)એ બેલડી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.