ગામના વિકાસ માટે કચેરીઓમા અરજી કરનાર ગ્રામ પંચાયતનાં સભ્યને જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. જે સમગ્ર મામલે હાલ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ઈસમ વિરુધ્ધ એટ્રોસીટીની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના સોખડા ગામે થરેસા શેરીમાં રહેતા સામાજીક કાર્યકર તથા સોખડા ગ્રામ પંચાયતમા સામાજિક ન્યાય સમીતીના ચેરમેન રમેશભાઇ ખીમાભાઇ મકવાણા ગામના વિકાસ માટે કચેરીઓમા અરજી કરતા હોય જેનો ખાર રાખી કિશોરભાઇ દેવદાનભાઇ બાલસરા (રહે-કીશનગઢ (સોખડા), તા.જિ-મોરબી)એ ફરિયાદીને “તુ વારંવાર અરજી કરે છે અરજી કરવાનુ બંધ કરી દેજે”તેમ કહી, જાહેરમા જ્ઞાતિ પ્રત્યે હડધુત કરતો શબ્દ બોલી બેફામ ગાળો આપી, ઝપાઝપી કરતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં IPC કલમ-૩૨૩,૫૦૪ એટ્રોસીટી એક્ટ કલમ-૩(૨)(૫-એ), ૩(૧)(આર)(એસ) મુજબ કિશોરભાઇ દેવદાનભાઇ બાલસરા વિરુધ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.