મોરબી તાલુકાના જેતપર ગામમાંથી પસાર થતી ઘોડાધ્રોઇ નદીપટ્ટ વિસ્તારમાં ટ્રેકટરો દ્વારા બેફામ રેતી ખનન થઈ રહ્યું હતું. ધોળે દિવસે તંત્રના નાક નીચેથી ટ્રેકટરોમાં રેતી ભરીને લઈ જવાઇ રહી હોવાની માહિતી મળતા જ માઇન્સ સુપરવાઇઝર દ્વારા સ્થળ પર તાપસ કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, રાજકોટના અમરગઢ ખાતે રહેતા જયેશભાઇ પોપટભાઇ પાનસુરીયા નામના આરોપીએ મોરબી તાલુકાના જેતપર ગામમાંથી પસાર થતી ઘોડાધ્રોઇ નદીપટ્ટ વિસ્તારમાંથી ૧૧,૩૦૦.૨૮ મેટ્રિક ટન સાદી રેતી ખનિજના પ્રતિ મેટ્રિક ટનના રૂ.૨૪૦/- લેખે રૂ. ૨૭,૧૨,૦૬૮/- તેમજ એસ્કેવેટર મશીનના રૂ.૨,૦૦,૦૦૦/- અને સાડી રેતી ખનિજ માટે ખનિજ કિંમત રૂ.૨૪૦/- પ્રતિ મેટ્રિક ટનના ૪૧% લેખે બિનઅધિકૃત ખનનના રૂ. ૧૧,૧૧,૯૪૮ /-મળી કુલ રૂ. ૩૮,૨૪,૦૧૬/- ના ખનીજનું ખનન કર્યું હોવાની મોરબી જિલ્લા સેવા સદનના ભુસ્તરશાસ્ત્રીની કચેરીમાં આવેલ ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતાનાં માઇન્સ સુપરવાઇઝર મિતેશભાઇ રામભાઇ ગોજીયા દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.