મોરબી: રાજકોટમાં ટીઆરપી ગેમઝોનમાં થયેલા અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારના આદેશ અનુસાર તમામ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદે ચાલતા ગેમઝોન, જીમ, હોસ્પિટલો, શાળા, ટ્યુશન ક્લાસીસ કે જેમાં તંત્રના નિયમોનુસારના આધાર પુરાવા વગર ચાલતા હોય તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે મોરબી વહીવટી તંત્ર દ્વારા સ્થળ ઉપરની તપાસણી બાદ વધુ એક ગેમઝોનના સંચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર મોરબીમાં વહીવટી તંત્ર દ્વારા રાજકોટ અગ્નિકાંડની ઘટના અનુસંધાને બે ટીમનું ગઠન કરવામાં આવ્યું છે. જે ટીમ દ્વારા સમગ્ર જીલ્લામાં તંત્રના નિયમોનો ઉલાળીયો કરી ગેરકાયદેસર રીતે કોઈ પરમીશન કે સર્ટિફિકેટ વગર ચાલતા હોસ્પિટલો, જિમ, ગેમઝોન વગેરેના જગ્યા તથા સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર આવેલ પાપાજી ફનવર્લ્ડ નામના ગેમઝોનના સંચાલક પ્રવીણભાઈ આર.હદવાણી રહે.દુર્લભ પાર્ટી પ્લોટ, ભક્તિનગર સર્કલ મોરબી પાસે મનોરંજન લાયસન્સ, ફાયર એનઓસી કે બી.યુ. સર્ટી વગર ચલાવવામાં આવતું હોય જેથી તેની સામે માનવ ઝીંદગી જોખમમાં મુકવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.