હળવદમાં સેન્ટીંગના કામ બાબતે સગા ત્રણ ભાઈઓ ઉપર તીક્ષ્ણ હથિયારો દ્વારા થયેલા હિચકારા હુમલામાં ત્રણ ભાઈ પૈકી એક ભાઈનું સારવાર દરમિયાન મોત નિપજતા સમગ્ર હત્યાના આ બનાવમાં મૃતકના ઈજાગ્રસ્ત ભાઈએ હળવદ પોલીસમાં ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે હાલ ત્રણે સામે હત્યાનો ગુન્હો નોંધી આરોપીઓને પકડી પાડવા અલગ અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
હત્યાના કેસની ટૂંક વિગત મુજબ હળવદ તાલુકાના નવા ઇસનપુર ગામે રહેતા રવિભાઈ ખોડાભાઈ સોનગ્રા ઉંમર વર્ષ ૨૮, જયદીપભાઇ ખોડાભાઈ સોનગ્રા ઉંમર વર્ષ ૨૬ અને હિરેનભાઈ ખોડાભાઈ સોનગ્રા ઉંમર વર્ષ ૨૪ સેન્ટીંગનું કામ કરતા હોય જેથી આજે તેઓ જુના ઇસનપુર થી હળવદ શહેરના ગોરી દરવાજા શિવાલય ફ્લેટ રામજીભાઈના મકાનમાં સેન્ટિંગનું કામ કરી રહેલ હતા ત્યારે આરોપી નટુ ઉર્ફે દાઢી સાથે મૃતક રવિભાઈને કામ બાબતે બોલાચાલી થતા નટુ ઉર્ફે દાઢી ગાળો આપી સ્થળ ઉપરથી જતો રહેલ હતો. ત્યારબાદ બપોરના ત્રણેક વાગ્યાની આસપાસ આરોપી નટુ ઉર્ફે દાઢી પોતાના પુત્ર તથા અન્ય એક આરોપી કે જેઓ હળવદ શહેરમાં જ રહેતા હોય તેને બોલાવી લાવી ત્રણેય ભાઈ કામ કરી રહ્યા હતા ત્યાં આવી બોલાચાલી કરી ત્રણેય ભાઈ પર સળીયા, ખંપારો જેવા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં રાજકોટ સારવાર દરમિયાન રવિભાઈ ખોડાભાઈ સોનગ્રાનું મોત નીપજ્યું હતું. જ્યારે હિરેનભાઈ અને જયદીપભાઇની સારવાર ચાલી રહી હતી.
ઉપરોક્ત હિચકારા હુમલામાં સારવાર દરમિયાન હત્યામાં મૃત્યુ પામેલ રવિભાઈ ખોડાભાઈ સોનગ્રાના ભાઈ જયદીપ ખોડાભાઈ સોનગ્રા કે જેઓ પણ ઈજાગ્રસ્ત હોય જેની ફરિયાદ પરથી હત્યાના આરોપી નટુભાઇ ઉર્ફે દાઢી ડુંગરભાઇ પરમાર, સાહીલ નટુભાઇ ઉર્ફે દાઢી પરમાર તથા એક અજાણ્યો માણસ બધારહે. હળવદ તા.હળવદ જી.મોરબી એમ કુલ ત્રણ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસે ગુન્હો નોંધી તમામ આરોપીઓને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.